પોર્ટ ઓફ સ્પેનઃ વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રિનિદાદ-ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા, જ્યાં ત્રિનિદાદ-ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર, તેમના 38 મંત્રીઓ અને 4 સાંસદો દ્વારા એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું. અહીં ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, તમારા પૂર્વજોએ જે મુશ્કેલીનો સામનો કર્યો હતો તે સૌથી મજબૂત સંકલ્પોને પણ તોડી શકે તેમ હતી, પરંતુ તેમણે આશા સાથે મુશ્કેલીઓનો સામનો કર્યો. તેઓ ગંગા અને યમુના છોડી ગયા, પરંતુ રામાયણને પોતાના હૃદયમાં સાથે લાવ્યા. તેમણે પોતાની માટી છોડી દીધી, પણ પોતાની સંસ્કૃતિ ન છોડી. પીએમ મોદીએ જાહેરાત કરી કે ભારતીય મૂળના લોકોની છઠ્ઠી પેઢીને પણ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ અપાશે. મોદી 1999 પછી ટ્રિનિદાદ અને ટોબેગાની મુલાકાત લેનાર પહેલા ભારતીય વડાપ્રધાન છે. આ પ્રસંગે તેમને દેશના સર્વોચ્ચ સન્માન એનાયત થયું હતું. મોદીના ટ્રિનિદાદ-ટોબેગો સાથેના સંબંધો 25 વર્ષ જૂના છે. તેઓ ઓગસ્ટ 2000માં પોર્ટ ઓફ સ્પેનના કેસ્કેડિયા હોટલમાં વિશ્વ હિન્દુ સંમેલનમાં ભાગ લેવા ભાજપના મહાસચિવની રૂએ આવ્યા હતા.


