નખોન પથોમઃ આજના સમયમાં દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો પગપેસારો થઈ રહ્યો છે. આથી થાઇલેન્ડ પોલીસે પણ તેની જરૂરતને ધ્યાનમાં રાખીને શહેરમાં એઆઇ બેઝ્ડ રોબો કોપને લોકાના જાનમાલની સુરક્ષા કાજે કામે લગાવ્યો છે.
દેશના પહેલા રોબો કોપને સોન્ગક્રાન ફેસ્ટિવલ દરમિયાન નખોન પથોમના ટોન્સન રોડ પર તૈનાત કરાયો હતો. આ રોબોટને પોલ કર્નલ નખોન પથોમ નામ અપાયું છે. આ રોબોટ 360 ડિગ્રી કેમેરા અને ફેસ રેકગ્નિશન સુવિધાથી સજ્જ છે. સાથે સાથે જ તેને ડ્રોન અને સીસીટીવી નેટવર્ક સાથે કનેક્ટ કરી શકાય છે. આ પોલીસ રોબોટ માત્ર નજર રાખે છે એવું નથી. તે ચાકૂ જેવા જીવલેણ શસ્ત્રોને પણ ઓળખી શકે છે. આમ તો અમેરિકામાં પણ પોલીસ એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે, પરંતુ હજુ સુધી હ્યુમન પોલીસ જેવા રોબોટને કોઇ પણ સ્થળે તૈનાત કર્યા નથી. ન્યૂ યોર્ક પોલીસે તાજેતરમાં ‘કેડ’ નામના ઓટોનોમસ રોબોટનું મેટ્રો સ્ટેશનોમાં પરીક્ષણ કર્યું હતું. આ પોલીસ રોબોટ 360 ડિગ્રી કેમેરાથી સજ્જ તો હતો, પણ ચહેરા ઓળખવાની સિસ્ટમ તેમાં નહોતી.