થાઇલેન્ડના ‘સિટી ઓફ ગણેશા’માં ઠેર ઠેર બિરાજમાન છે બાપ્પા

Wednesday 15th September 2021 06:59 EDT
 
 

બેંગકોક: ભારતમાં તો ગણપતિ દાદા વિઘ્નહર્તા તરીકે પૂજાય જ છે, પરંતુ ભારત સિવાય અન્ય કેટલાક દેશોમાં પણ બાપ્પા પૂજનીય છે. આમાં પણ એક શહેર તો એવું છે જે આખેઆખું વિઘ્નહર્તાને સમર્પિત છે. આ વાત છે થાઇલેન્ડની. અહીં આવેલું ચાચોએંગસાઓ શહેર સિટી ઓફ ગણેશા તરીકે જ જાણીતું છે. અહીં ગણપતિ બાપાની વિવિધ પ્રતિમાઓ છે.
ફ્રાંગ અકાતમાં ગણેશજીની ૪૯ મીટર ઊંચી પ્રતિમા છે તો વિશ્વની સૌથી ઊંચી ૩૯ મીટરની કાંસાની ગણેશ પ્રતિમા ઇન્ટરનેશનલ પાર્કમાં સ્થાપિત છે. આ શહેર બેંગકોકથી ૮૦ કિમી દૂર આવેલું છે, પણ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે.
થાઇલેન્ડમાં ગણેશજીને ‘ફ્રરા ફિકાનેત’ તરીકે પૂજવામાં આવે છે. તેમને દરેકના વિઘ્નને હરનારા અને સફળતાના દેવતા માનવામાં આવે છે. નવા કાર્ય કે વ્યવસાય કે લગ્ન નિમિત્તે સૌથી પહેલા તેમનું સ્મરણ કરવામાં આવે છે.
થમ્માસેટ યુનિવર્સિટી સાથે જોડાયેલા સોમચાઇ જારન જણાવે છે કે, ગણેશજી અમારી સંસ્કૃતિનો હિસ્સો છે. લોકો ઘર, ઓફિસ તથા ડ્રોઇંગ રૂમમાં ગણેશજીની પ્રતિમાઓ મુકે છે. જ્યારે તેઓ ભારતની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યા હતા ત્યારે રામ, વિષ્ણુ અને ગણેશ ભગવાનમાં તેમની આસ્થા વધી ગઈ હતી. સોમચાઈ જણાવે છે કે સામન રતનારામ મંદિરમાં બાપાની આરામ મુદ્રાની સૌથી વિશાળ પ્રતિમા છે. ૨૦ દેશોના લોકો અહીં દર્શન માટે આવે છે.
થાઇલેન્ડ બૌદ્ધ વસ્તી ધરાવતો દેશ છે. જોકે લોકો મોટા પાયે ગણેશ ચતુર્થી મનાવે છે. અહીંની સંસ્કૃતિ પર ગણેશજીની એટલી તો ઘેરી અસર છે કે થાઇલેન્ડના લલિત કળા વિભાગના લોગોમાં પણ ગણેશજી અંકિત છે. ૨૦૧૬ સુધી ૬૦ વર્ષ રાજ કરનારા રાજા રામ (નવમા) ભારતીય સંસ્કૃતિના પ્રસંશક છે. તેમના કાર્યકાળમાં લોકોની વિષ્ણુ, શિવની સાથે ગણેશજીની પ્રત્યે આસ્થા વધી. ગણેશ ઇન્ટરનેશનલ સેન્ટર પણ તેમના કાર્યકાળમાં જ સાકાર થયું હતું.
૩૨ સ્વરૂપ, ૮૫૪ હિસ્સામાં કાંસ્ય પ્રતિમા
ગણેશ ઇન્ટરનેશનલ પાર્કમાં ગણપતિના ૩૨ સ્વરૂપોની પ્રતિમા છે. સૌથી ઊંચી પ્રતિમા બાળ ગણેશની છે, જેમના એક હાથમાં ફણસ, બીજા હાથમાં કેળુ, ત્રીજા હાથમાં શેરડી અને ચોથા હાથમાં કેરી છે. આ પ્રતિમા આપણી ધરતી કેટલી ઉપજાઉ છે તેનું પ્રતીક છે. મસ્તક પર કમળનું ફૂલ અને તેની વચ્ચે ઓમ અંકિત છે. આ મૂર્તિને કાંસાના ૮૫૪ હિસ્સા જોડીને બનાવવામાં આવી છે. ફ્રાંગ અકાત મંદિરમાં ભગવાન ગણેશ આશીષ આપતા નજરે પડે છે. સમન વત્તાનરમ મંદિરમાં પણ ગણેશજીની ૧૬ મીટર ઊંચી પ્રતિમા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter