થાઇલેન્ડમાં નર્સરી પર અંધાધૂંધ ગોળીબારઃ 22 ભૂલકાં સહિત 34નાં મૃત્યુ

Thursday 06th October 2022 08:48 EDT
 
 

બેંગકોકઃ થાઇલેન્ડમાં ગુરુવારે બનેલી અંધાધૂંધ ગોળીબારની એક હિચકારી ઘટનામાં બે-ચાર વર્ષનાં 22 માસૂમ ભૂલકાં સહિત 34 લોકોનાં મૃત્યુ થયાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલા નોગ બુઆમાં આ ઘટના બની છે. હુમલાખોર એવો પૂર્વ પોલીસ જવાન પાન્યા કામરાબ પ્રિ-સ્કૂલ (નર્સરી)માં ધસી આવ્યો હતો અને બેફામ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

નર્સરીમાં હત્યાકાંડ આચર્યા બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી નાસી ગયો હતો અને પછી પોતાના પરિવારની હત્યા કરી નાંખી હતી. બાદમાં તેણે પોતાને જ ગોળી મારી દેતાં તેનું પણ મૃત્યુ થયું છે. ગયા વર્ષે જ ડ્રગ્સ સંબંધિત એક કેસમાં સસ્પેન્ડ કરી દેવાયેલો આ હુમલાખોર પ્રોપર્ટી ડીલ મામલે વિખવાદ થતાં રોષે ભરાયો હતો અને આ હત્યાકાંડ આચર્યો હતો.

ઘટનાસ્થળથી નજીકની જ એક સરકારી કચેરીમાં કામ કરતા અધિકારીના જણાવ્યા પ્રમાણે, હુમલાખોર લંચ ટાઇમ આસપાસ નર્સરીએ પહોંચ્યો હતો અને સૌથી પહેલા તેણે ચાઇલ્ડ કેર સેન્ટરના ત્રણ-ચાર કર્મચારીઓને ઠાર માર્યા હતા. આમાં આઠ માસની એક ગર્ભવતી ટીચરનો પણ સમાવેશ થાય છે. બાદમાં તેણે એક રૂમમાં ધસી જઇને સૂઇ રહેલાં માસુમ ભૂલકાંઓ પર ગોળીઓ વરસાવી હતી.

આ નૃશંસ હત્યાકાંડથી સમગ્ર થાઇલેન્ડ સ્તબ્ધ છે. આ દેશમાં ગેરકાયદે શસ્ત્રોનું પ્રમાણ સરેરાશ છે, પરંતુ આ પ્રકારે સામૂહિક ગોળીબારની ઘટના જવલ્લે જ બને છે. આ પૂર્વે 2020માં નાખોન રેચેસીમા શહેરમાં એક સૈનિકે બેફામ ગોળીબાર કરીને 21 લોકોના જીવ લીધા હતા અને સેંકડો લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter