થાઇલેન્ડમાં મળેલી 2000 વર્ષ પુરાણી વીંટીનું ભારત કનેક્શન

Tuesday 14th July 2026 08:34 EDT
 
 

બેંગ્કોકઃ થાઇલેન્ડના પશ્ચિમી ભાગમાં પુરાતત્વવિદોને આશરે 2000 વર્ષ પુરાણી સોનાની બે વીંટી મળી છે. ફેચાબુરી પ્રાંતના ડોન યાઇ થોંગ પુરાતત્વીય સ્થળ પર ચાલી રહેલા ખોદકામ વેળા મળેલી આ વીંટીઓ ભારત-થાઇલેન્ડના સૈકાઓ જૂના હોવાનો સંકેત આપે છે. આ બન્ને વીંટી માનવ હાડપીંજરના અવશેષો સાથે મળી હોવાથી એવું મનાય છે કે આ કોઇ સંપન્ન વ્યક્તિના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી હોઇ શકે છે. વીંટી પર પ્રાચીન ભારતીય બ્રાહ્મી લિપિમાં શબ્દો લખાયેલા જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં આ શબ્દ ‘પુસારખિતસા’ વંચાય છે, જેનો અર્થ છે ‘પુષ્ય દ્વારા સંરક્ષિત’. ભારતીય જ્યોતિષ પરંપરામાં પુષ્ય શુભ નક્ષત્રોમાંનું એક ગણાય છે.
 વીંટીઓનો સંબંધ વૈશ્ય સમાજ સાથે
ખોદકામ દરમિયાન મળેલી સોનાની બીજી વીંટી પર કોઇ ખાસ ડિઝાઇન કે લખાણ લખાયેલું જોવા મળતું નથી. નિષ્ણાતોનું માનવું છે કે આ વીંટી તે સમયના વૈશ્ય (વેપારી) સમાજ સાથે જોડાયેલા કોઇ વેપારીની હોઇ શકે છે.
8 માનવ કંકાલ પણ મળ્યા
ગયા ફેબ્રુઆરીથી આ સ્થળે ઉત્ખનન ચાલી રહ્યું છે જે દરમિયાન અત્યાર સુધીમાં આઠ માનવ હાડપિંજર મળ્યા છે. આની સાથે સાથે જ કાંસ્ય અને સોનાના આભૂષણો, માટીના વાસણો સહિતની અન્ય કેટલીય પ્રાચીન ચીજવસ્તુઓ પણ મળી છે. આ ચીજવસ્તુઓના આધારે પુરાતત્વવિદો એવું માની રહ્યા છે કે આ સ્થળનો ઉપયોગ અમીર કે ઉચ્ચ વર્ગના લોકોના અંતિમ સંસ્કાર માટે થતો હશ. બન્ને વીંટીને રાચાબુરી પ્રાંતના એક મ્યુઝિયમમાં સુરક્ષિત રખાઇ છે, જ્યાં તેના પર સંશોધન કરાશે.
આ જ વર્ષે સ્થાનિક લોકોને અનાજના એક ખેતરમાંથી પ્રાચીન કાંસ્ય ડ્રમના ટુકડા મળ્યા હતા. આ પછી સરકારે અહીં મોટા પાયે ઉત્ખન્ન કરાવ્યું હતું. નિષ્ણાતો આ સ્થળને થાઇલેન્ડમાં 1500થી 2500 વર્ષ પૂર્વે પ્રવર્તતા લોહ યુગનું ગણાવે છે.
આ ઐતિહાસિક ઉત્ખનનની કામગીરી આગામી એકાદ મહિનામાં પૂરી થવાની શક્યતા છે. આ પછી ફાઇન આર્ટ્સ વિભાગ આ તમામ શોધને લોકો માટે પ્રદર્શિત કરશે. આ ચીજવસ્તુઓ ભારત અને થાઇલેન્ડ વચ્ચે સૈકાઓ પુરાણા સાંસ્કૃતિક કે વ્યાપારિક સંબંધો હોવાનો અણસાર પણ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter