થાઈલેન્ડ રેસ્ક્યૂમાં શહીદ કમાન્ડોને બાળકોનું વચનઃ સારા માનવી બનીશું

Friday 20th July 2018 09:28 EDT
 
 

ચિયાંગ રાઈઃ થાઇલેન્ડની ગુફામાં મોતને પરાજિત કરી બહાર કાઢેલા બાળકો હવે સ્વસ્થ છે. ૧૨મીએ તેમને હોસ્પિટલથી પણ રજા મળી જશે. ડોક્ટરોએ તેમને રેસ્ક્યૂ દરમિયાન શહીદ થયેલા નેવી કમાન્ડો સમન કુનાનની કહાણી સંભળાવી હતી. આ સાંભળી આ બાળકોની આંખી ભીની થઈ ગઈ હતી. બાળકોએ તેમની તસવીરની આગળ માથું નમાવી શ્રદ્ધાંજલિ આપી અને તસવીર પર સંદેશ લખીને જીવ બચાવવા માટે આભાર માન્યો હતો. આ તમામ બાળકોએ વાયદો કર્યો કે તે તેમના સન્માનમાં સારા માનવી બનશે અને સારું જીવન જીવશે. હંમેશા દેશની ભલાઈ માટે કામ કરશે. ડોક્ટર જેસાદાએ કહ્યું કે બાળકોને ઘર મોકલતા પહેલા નેવી અધિકારીના બલિદાન વિશે જણાવવું જરૂરી હતું.
ગુફામાં મ્યુઝિયમ બનશે
અદ્વિતિય રેસ્ક્યૂ ઓપરેશન સફળ થયા પછી હવે એ ગુફાને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે. થાઈલેન્ડ સરકારના કહેવા પ્રમાણે આ અદ્વિતીય સાહસને હંમેશા યાદ રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. ગુફામાં આ ઓપરેશનનો ઘટનાક્રમ ગોઠવવામાં આવશે. થાઈલેન્ડ સરકારે એક સત્તાવાર નિવેદનમાં મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું હતું કે જે સ્થળે સાહસનું જીવતું જાગતું ઉદાહરણ સર્જાયું હતું તે સ્થળે હવે સંગ્રહાલય બનાવાશે.
આ ઘટના વિશ્વમાં જીવન અને મરણ વચ્ચેના જંગમાં જીવન અને માનવીય પ્રયાસોની જીત તરીકે યાદ રહેશે. એ ઘટના હંમેશા યાદ રહે અને પ્રવાસીઓને એ ઘટનામાંથી પ્રેરણા મળતી રહે તે માટે આખો ઘટનાક્રમ આવરીને મ્યુઝિયમ બનાવાશે અને તેમાં સંકળાયેલા સાહસિકોનો ખરા અર્થમાં આભાર માનવામાં આવશે. થાઈલેન્ડ સરકારના કહેવા પ્રમાણે આ સંગ્રહાલય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. જે સ્થળે ૧૨ બાળકો ફસાયા હતા અને જે રીતે તમામ બાળકોને ૧૮ દિવસ પછી હેમખેમ બહાર કઢાયા હતા તે ઘટના અદ્ભૂત અને અદ્વિતીય હતી. એ ઘટના હંમેશા માનવજાતને યાદ રહે તે હેતુથી આખા સ્થળને મ્યુઝિયમ તરીકે વિકસાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter