પનામા સિટીઃ આજે એકવીસમી સદીમાં જ્યારે બિલિયોનેર્સ સ્પેસ ટૂરિઝમ અને મંગળ ગ્રહ પર કોલોની વસાવવાના સપના જોઈ રહ્યાં છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે, જે ધરતી પર જ નવું દુનિયા રચવા માટે કામે લાગ્યા છે, અને તે પણ સમુદ્રની અંદર. પનામાના દરિયાકિનારા પાસે કેટલાક ટેક એન્ટરપ્રેન્યોર્સ અને બિલિયોનેર એક અંડરવોટર કોલોનીનું નિર્માણ કરી ચૂક્યા છે. જ્યાં ઇન્કમ ટેક્સ, સરકારી કાયદા કે સરકારી નિયંત્રણોની કોઇ ઝંઝટ નથી. આ સ્થળને વસાવનારા લોકો પોતાને ટેક્નો-યૂટોપિયન તરીકે ઓળખાવે કહે છે. આ લોકો ટેક્નિક અને સ્વતંત્રતાના માધ્યમથી સમાજમાં નવી શરતથી જોડાવા માગે છે.
પનામાના કિનારા પર વસેલી અંડરવોટર કોલોનીમાં લોકો સમુદ્રસપાટીથી 36 ફૂટ નીચે વસવાટ કરે છે. આ પ્રયોગ ન માત્ર રહેવા-કરવાની પદ્ધતિઓને બદલી રહ્યો છે, પરંતુ વૈશ્વિક સ્તર પર સ્વતંત્રતા, ખાનગી સંપત્તિ અને પર્યાવરણ પર પણ ચર્ચા છેડી રહ્યો છે. ઓશિયન બિલ્ડર્સ નામની કંપનીએ આ સીપોડ પ્રોજેક્ટને સાકાર કર્યો છે. તેના ત્રણ મુખ્ય ચહેરા છેઃ એક છે, જર્મન એન્જિનિયર રૂડિગર કોચ, બીજા છે અમેરિકાના બિટકોઈન ઉદ્યોગસાહસિક ચાડ એલવાર્ટોવ્સ્કી અને ત્રીજા છે - કેનેડાના ટેક ઉદ્યોગસાહસિક ગ્રાન્ટ રોમુંડ.
રૂ. 50 કરોડના ખર્ચે એક સીપોડ
એક રિપોર્ટમાં ઓશિયન બિલ્ડર્સને ટાંકીને જણાવાયું છે કે એક સીપોડને બનાવવામાં રૂ. 50 કરોડનો ખર્ચ થાય છે, પરંતુ હવે આ ખર્ચને ઘટાડીને રૂ. 10 કરોડ સુધી લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કંપનીનો આગામી મોટો પ્રોજેક્ટ માલદીવમાં 20 સીપોડવાળી એક નવી કોલોની બનાવવાનો છે. સીપોડનો વિચાર પ્રથમવાર સીસ્ટેડિંગ ઇન્સ્ટિટ્યુટની સામે લાવવામાં આવ્યો હતો. આ સંસ્થાએ શરૂઆતનું ફંડિંગ ફેસબુકના પ્રાથમિક રોકાણકાર પીટર થિએલ પાસેથી મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જર્મન એન્જિનિયર રૂડિગર આ સીપોડમાં વિક્રમજનક 120 દિવસ એટલે કે ચાર મહિના વિતાવીને ઇતિહાસ રચી ચૂક્યા છે. તેઓ આટલો લાંબા મુકામ કરીને એ દર્શાવવા માગતા હતા કે અહીં રહેવું સેફ છે.
અત્યાધુનિક ફીચર્સથી સજજ
ઓશિયન બિલ્ડર્સ દ્વારા બનાવાયેલા સીપોડ અલ્ફા બ્લૂને જોઈને લાગે છે જાણે કોઈ લક્ઝરી બિલ્ડિંગને સમુદ્રમાં ઉતારી દીધું હોય. જેમાં સ્માર્ટ હેડ, સ્માર્ટ ટોયલેટ, લિક્વિડ કૂલ્ડ કોમ્પ્યુટર, સ્ટારલિંક ઇન્ટરનેટ અને ફૂડ ડ્રોન ડિલિવરી સિસ્ટમ જેવા હાઈટેક ફીચર્સ છે. આ સીપોડમાં કેનેડાના ટેક ઉદ્યોગસાહસિક ગ્રાન્ટ રોમુંડ પણ વસવાટ કરી ચૂક્યા છે. રોમુંડ કહે છે કે એક વખત આ સીપોડમાં રહ્યા પછી
હવે જમીન પર વસવાટ કરવાનું બોજારૂપ લાગી રહ્યું છે.