દરેક ધર્મ, સંસ્કૃતિ અને જાતિના ભારતીયોના અધિકારોનું રક્ષણ કરાશે: મોદી

Wednesday 15th April 2015 06:39 EDT
 
 

પેરિસઃ­ ત્રણ દેશોના વિદેશ પ્રવાસનો શુક્રવારથી સત્તાવાર પ્રારંભ કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે કટ્ટરવાદી સંગઠનોની વધેલી સક્રિયતા મધ્યે જણાવ્યું હતું કે મારી સરકાર દરેક ધર્મના ભારતીય નાગરિકના અધિકારોનું રક્ષણ કરશે. યુનેસ્કોના મુખ્ય મથક ખાતે સંબોધન કરતાં મોદીએ વિશ્વસમુદાયને હિંસા અને આતંકવાદના સુનામી સામે લડવા ધર્મ અને સંસ્કૃતિ પર વધુ મદાર રાખવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે દરેક નાગરિકની સ્વતંત્રતા અને અધિકારોનું રક્ષણ કરીશું.
વડા પ્રધાન મોદીને પેરિસની હોટેલ નેશનલ ડેસ ખાતે ભવ્ય ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ મોદીએ ભારતમાં મૂડીરોકાણ અને ટેકનોલોજીના રોકાણ માટે ફ્રેન્ચ બિઝનેસમેનો સાથે મુલાકાત કરી હતી. તેમણે પેરિસની મશહૂર સીન નદીમાં હોલાંદ સાથે નૌકાસવારી કરીને નાવ પે ચર્ચા કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે હું મહિલા સમાનતા માટે લડતો રહીશ. કન્યાકેળવણી માટે હું હૃદયપૂર્વક પ્રતિબદ્ધ છું. તેમણે કહ્યું હતું કે સંસ્કૃતિઓએ વિશ્વને વિભાજિત નહીં જોડવાનું કામ કરવું જોઇએ.
ગુરુવારે રાત્રે પેરિસ પહોંચેલા મોદીએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ વૈશ્વિક પડકાર છે. મારી સરકાર આગામી સાત વર્ષમાં રિન્યુએબલ એનર્જીમાંથી ૧,૭૫,૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
૩૬ રફાલ જેટ ખરીદવા કરાર
ફ્રાન્સના ચાર દિવસના પ્રવાસ દરમિયાન ભારતના વડા પ્રધાન મોદીનાં નેતૃત્વમાં ૩૬ રફાલ યુદ્ધવિમાનો ખરીદવા સહિત રેલવે, એટમિક એનર્જી, સ્પેસરિસર્ચ, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ અને રેલવેના આધુનિકીકરણ સહિત ૧૭ મહત્ત્વના કરારો કરાયા હતા. ફ્રાન્સે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં બે બિલિયન યૂરોનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી.
કરાર બાદ ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઇસ હોલાન્દે જણાવ્યું હતું કે ફ્રાન્સ ભારત સાથે મળીને આતંકવાદનો સામનો કરશે. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારતે ફ્રાન્સને જેમ બને તેમ ઝડપથી ઉડ્ડયન કરી શકે તેવી સ્થિતિમાં ૩૬ રફાલ ફાઇટર જેટ આપવા વિનંતી કરી છે. બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, પરમાણુ, અર્થતંત્ર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધો પર ચર્ચા થઇ હતી. ફ્રાન્સ ભારતીયોને ૪૮ કલાકમાં ટૂરિસ્ટ વિઝા આપવા સંમત થયું છે. ફ્રાન્સ ભારતને નાગપુર અને પોંડિચેરીમાં ત્રણ સ્માર્ટ સિટી વિકસાવવામાં મદદ કરશે. બંને દેશોએ દિલ્હી-ચંડીગઢ વચ્ચે હાઇસ્પીડ રેલ નેટવર્ક સ્થાપવા કરાર કર્યો હતો.
ફ્રેન્ચ મૂડીરોકાણ માટે આતુર
ફ્રેન્ચ કંપનીના સીઇઓની બેઠકને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ડિફેન્સ અને ઇફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મૂડીરોકાણ અને ટેકનોલોજીના આદાન-પ્રદાન માટે ફ્રેન્ચ ઉદ્યોગોને આવકારવા આતુર છે.
એરબસ આઉટર્સોસિંગ કરશે
ફ્રાન્સની મુલાકાતના બીજા દિવસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની મહત્ત્વાકાંક્ષી મેક ઇન ઇન્ડિયા યોજનામાં વિશ્વની સૌથી મોટી વિમાનઉત્પાદક કંપની એરબસનું સમર્થન મળ્યું છે. શનિવારે મોદી ફ્રાન્સના વિદેશ પ્રધાન લૌરેન્ટ ફાબિયાસ સાથે તૌલૌસ ખાતેના એરબસના એસેમ્બ્લી પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. એરબસ કંપનીએ મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાનને સમર્થન જાહેર કરતાં જણાવ્યું હતું કે તે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવા તૈયાર છે. મોદીએ કંપનીના પ્લાન્ટની મુલાકાત લઈ વિમાનઉત્પાદનની પ્રક્રિયા રસપૂર્વક નિહાળી હતી.
એરબસ ઇન્ડસ્ટ્રીઝે મોદીને આશ્વાસન આપ્યું હતું કે કંપની આગામી પાંચ વર્ષમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારત ખાતેનું આઉટર્સોસિંગ ૪૦૦ મિલિયન ડોલરથી વધારીને બે બિલિયન ડોલર કરશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૃદ્દીને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે એરબસ આગામી પાંચ વર્ષમાં ભારત ખાતેના આઉટર્સોસિંગમાં ૫૦૦ ટકાનો વધારો કરશે. ભારતમાં એરબસ ગ્રૂપનાં ત્રણ એન્જિનિયરિંગ યુનિટ છે, જેમાં ૪૦૦થી વધુ ભારતીયો કામ કરે છે.
સેલ્ફી પડાવવા પડાપડી
એરબસની મુલાકાત બાદ મોદી ફ્રાન્સની અંતરિક્ષ એજન્સી સીએનઇએસની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ તેમને ઘેરી વળ્યા હતા અને સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. મોદીએ પણ વિદ્યાર્થીઓ સાથે સેલ્ફી ખેંચી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ અભ્યાસ પૂરો કરી વતન પરત ફરશે.
પારદર્શક નિયમો અપનાવો
ફ્રાન્સના બિઝનેસમેનોએ ભારતમાં મૂડીરોકાણ કરવામાં પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભારત સરકાર સ્પષ્ટ, પારદર્શક અને સ્થિર નિયમો અપનાવે. પોલ હર્મેલિન નામના એક સીઈઓએ જણાવ્યું હતું કે ભારતમાં જે રીતે બિઝનેસ કરાય છે તેમાં ઘણી સમસ્યાઓ છે. કોઇ પણ કંપની નિયમોમાં સ્પષ્ટતા અને પારદર્શકતા ઇચ્છે છે.
સભ્યપદ ભારતનો અધિકાર
યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી સભ્યપદ માટે મજબૂત દાવો કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતાં શનિવારે જણાવ્યું હતું કે વૈશ્વિક શાંતિ માટે ભારતનાં અદ્વિતીય પ્રદાનને પગલે સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ ભારતનો અધિકાર છે. એ દિવસો જતા રહ્યા છે જ્યારે ભારતને ભીખ માગવી પડતી હતી, હવે અમે અમારો અધિકાર ઇચ્છીએ છીએ. અન્ય કોઇ દેશને આવો નૈતિક અધિકાર નથી. ભારત જેવા શાંતિચાહક દેશને માન્યતા આપવાની તક વિશ્વ સમુદાયને મળી છે. યુએનએ તેની સ્થાપનાની ૭૦મી જયંતી પ્રસંગે ભારતનાં વલણની નોંધ લેવી જોઇએ. હું ભારતને અલગ નજરે જોવા વિશ્વને આહવાન કરું છું. ભારત એક એવો દેશ છે જે પોતાના માટે જ નહીં, પરંતુ અન્ય માટે પણ બલિદાન આપે છે. પહેલા વિશ્વયુદ્ધમાં ભારત સામેલ ન હોવા છતાં ૭૫,૦૦૦ ભારતીય સૈનિકોએ અન્ય દેશ માટે લડતાં બલિદાન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter