દુનિયાના સૌથી નાના ટીનેજરની અધધધ ઉંચાઈ

Sunday 29th November 2020 07:12 EST
 
 

બૈજિંગઃ ચીનના રેન કેયુએ ૧૮ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેનો ૧૪મો જન્મદિવસ ઊજવ્યો હતો અને સાથોસાથ તેણે ૨૨૧.૦૩ સેન્ટિમીટર (૭ ફૂટ ૩.૦૨ ઇંચ)ની ઊંચાઈ સાથે વિશ્વના સૌથી ઊંચા ટીનેજર (મેલ કેટેગરી) તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
ચીનના સિચુહાન પ્રાંતમાં લેશાનમાં રહેતો નવમા ધોરણમાં ભણતા રેન કેયુનો જન્મ ૧૮ ઓક્ટોબર ૨૦૦૬માં થયો છે. આ તરુણ કિંડરગાર્ટનમાં હતો ત્યારે જ આશરે ૧૫૦ સેન્ટિમીટર્સની ઊંચાઈ ધરાવતો હતો અને તેને ઘણી વાર પ્રાઇમરી સ્કૂલનો વિદ્યાર્થી ગણી લેવામાં આવતો હતો.
સંતાનની અસાધારણ ઊંચાઈથી ગભરાયેલા પરિવારે તેને ઘણી વાર હોસ્પિટલે પહોંચાડી દીધો હતો અને અસંખ્યવાર તબીબી ચકાસણી કરાવી છે. પહેલાં તો ડોક્ટર્સને શંકા હતી કે આ એક જાઇજેન્ટિઝમનો કેસ છે. જોકે, ઘણા ટેસ્ટ કરાવ્યા બાદ એવું જાણવા મળ્યું હતું કે રેન કેયુના શરીરમાં કોઈ માંદગી કે કોઈ રોગ નથી. તેના ગ્રોથ હોર્મોન્સ, પિચ્યૂટરી ગ્લેન્ડ અને અન્ય ટેસ્ટના પરિણામો પણ સામાન્ય આવ્યા હતાં.
વિક્રમધારક રેન કેયુ માને છે કે આ ઊંચાઈ તેને વારસામાં મળી છે કેમ કે તેના પરિવારના સભ્યોમાં વધુ ઊંચાઇ સામાન્ય છે. તેના દાદી ૧૭૫ સેન્ટિમીટર ઊંચા હતાં અને તેના માતા અને દાદા ૧૯૦ સેન્ટિમીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવતાં હતાં. તેના પિતા પણ ૧૮૦ સેન્ટિમીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે.
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નિયમ અનુસાર રેન કેયુની લંબાઇ પહેલાં ઊભા રાખીને અને પછી તેને સુવડાવીને માપવામાં આવ્યો હતો. તેના હાથની લંબાઈ, હાથની વહેંત, પગની લંબાઈ, પગની પહોળાઈ વગેરેનું માપ લેવામાં આવ્યું હતું. દિવસમાં ત્રણ વાર આ તમામ માપ લેવામાં આવ્યાં હતાં.
ગિનેસ બુક વર્લ્ડ રેકોર્ડની સમીક્ષા અને પુષ્ટિ બાદ રેન કેયુ સૌથી ઊંચા ટીનેજર (મેલ કેટેગરી) માટેનો રેકોર્ડ હોલ્ડર બન્યો છે. રેનના ગ્રોથ પર વિપરીત અસર ના થાય તે માટે ઘર અને શાળામાં તેના માટે ખાસ ટેબલ-ખુરસી ગોઠવવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter