દુનિયાનું સૌથી મજબૂત જેકેટઃ સ્ટીલ કરતાં પણ ૧૫ ગણું મજબૂત

Sunday 15th December 2019 06:44 EST
 
 

એમસ્ટરડમઃ વોલબેક નામની ડચ બ્રાન્ડે વિશ્વનું સૌથી મજબૂત જેકેટ બનાવ્યાનો દાવો કર્યો છે. આ જેકેટનો બહારનો ભાગ સંપૂર્ણપણે ડાઈનીમાથી બન્યો છે. ડાઈનીમા એક પ્રકારના ફાઈબરનું નામ છે, જે વિશ્વનું સૌથી મજબૂત ફાઈબર છે. આ ફાઈબરમાંથી બનેલું અવિનાશી જેકેટ દરેક પ્રકારની સ્થિતિ સહન કરવા સક્ષમ છે. અત્યાધુનિક એડવેન્ચર સ્પોર્ટ્સ વેરના ઉત્પાદન ક્ષેત્રે વોલબેક વર્ષોથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ કંપનીએ બનાવેલા વસ્ત્રો વિશ્વના સૌથી ટકાઉ વસ્ત્રો મનાય છે.

પેન્ટ ૧૦૦ વર્ષ સુધી નહીં ફાટે!

વોલબેકનું કહેવું છે કે, આ જેકેટનો બહારનો ભાગ સ્ટીલથી ૧૫ ગણો અને એરેમિડ ફાઈબરથી ૪૦ ગણો મજબૂત છે. આમ આ જેકેટને કાપવું કે ફાડવું અશક્ય છે. આ જેકેટનો બહારનો ભાગ ડાઈનીમા ફાઈબરથી બનાવ્યો છે, જે હકીકતમાં બોડી આર્મર અને એન્ટિ બેલેસ્ટિક વ્હીકલનું કવચ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, આ જેકેટ બુલેટપ્રૂફ નથી. મોટા ભાગની જેકેટ ઉત્પાદક કંપનીઓ એ વાતનું ધ્યાન રાખે છે કે, જેકેટનું વજન હલકું હોય અને પહેરનારાને વધુ ભાર ના લાગે, પરંતુ વોલબેકે બનાવેલા જેકેટનું વજન અઢી કિલો છે.
કંપનીનો દાવો છે કે, આ જેકેટને જીવનભર પહેરશો તો પણ નહીં ફાટે. એટલે તેની કિંમત ૯૮૫ ડોલર રખાઈ છે. અમે બનાવેલું પેન્ટ પણ ૧૦૦ વર્ષ સુધી ફાટતું નથી. આ પ્રકારના પેન્ટ ત્રણ લેયરમાં બનાવાય છે. તેનો બહારનો ભાગ પાણીને રોકે છે અને તે ઘર્ષણનો વિરોધ કરે એ રીતે ડિઝાઈન કરાયું છે. જ્યારે પેન્ટનું વચ્ચેનું પડ અગ્નિરોધક છે અને ઉચ્ચ તાપમાન પર એક એરબેગની જેમ ફેલાય છે અને તમારા પગ તથા આગની લપેટો વચ્ચે અવરોધનું કામ કરે છે, જ્યારે ત્રીજું પડ એરેમિડ ફાઈબર અને નાયલોન દ્વારા બનાવાયું છે, જે વધારાની સુરક્ષા પૂરી પાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter