વિયેનાઃ હાલ ઓસ્ટ્રિયા એક અનોખા કેસને કારણે ચર્ચામાં છે. અહીંના ન્યાય વિભાગ સમક્ષ 29 વર્ષનો એક એવો કેદી આવ્યો છે જેનું વજન લગભગ 300 કિલો છે અને તેની સંભાળ રાખવા સરકારને સામાન્ય કેદીની સરખામણીમાં દસ ગણો વધારે ખર્ચ કરવો પડે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વ્યક્તિ માદક પદાર્થોની હેરાફેરીના આરોપમાં પકડાયો છે. પોલીસે તેના ઘરે દરોડો પાડયો તો ત્યાંથી 45 કિલો ગાંજો, 2 કિલો કોકેઈન, 2 કિલો એમ્ફેટામાઇન અને 2000થી વધુ એક્સ્ટસી ટેબ્લેટ્સ જપ્ત કરી હતી.
તેને વિયેનાની જોસેફસ્ટાટ જેલમાં રખાયો હતો, પરંતુ તેનો પલંગ તૂટવાની સ્થિતિમાં આવી ગયો. આથી, તેને વિયેનાથી લગભગ 15 કિમી દૂર કોર્નેઉબર્ગ જેલમાં ખસેડવામાં આવ્યો. કેદીની સુરક્ષા અને સુવિધા માટે ખાસ વેલ્ડીંગ કરીને મજબૂત પલંગ તૈયાર કરાયો છે. આ સાથે જ બહારની નર્સો તેને દિવસ-રાત સંભાળ પૂરી પાડે છે. તેની સંભાળ પાછળ દરરોજ અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઓસ્ટ્રિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આખરે કરદાતાઓના નાણાં આવા ગુનેગારો પર શા માટે ખર્ચાઇ રહ્યા છે.


