કાઠમંડુઃ નેપાળમાં બે દિવસ માટે યોજાયેલી ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટિસેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ (બિમ્સટેક)માં ભાગ લેવા માટે કાઠમંડુ ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦મીએ કહ્યું હતું કે, ભારત માટે તેના પડોશી દેશ સૌથી પહેલા અને મહત્ત્વના છે. મોદીએ પ્લેનરી સેશનમાં આતંકવાદ, ડિજિટલ કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને કલા તેમજ અન્ય મુદ્દા પર વાતચીત કરી હતી. મોદીએ કહ્યું કે દુનિયાનો કોઈ દેશ એવો નહીં હોય કે આતંકવાદ અને ડ્રગ્સ ટ્રાફિકિંગની સમસ્યાનો ભોગ ન બન્યો હોય. નશીલા પદાર્થોનાં વિષયો પર તેઓ બિમ્સટેકનાં ફ્રેમવર્કમાં કોન્ફરન્સનું આયોજન કરવા તેઓ તૈયાર છે.
કુદરતી આફતો અંગે તેમણે કહ્યું કે હિમાલય અને બંગાળના અખાત સાથે જોડાયેલા આપણા દેશ વારંવાર કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. આ માટે બચાવ અને રાહત કાર્યોમાં તમામ દેશોનો સહયોગ અને સંકલન મહત્ત્વના છે. મોદીએ ૨૦૨૦માં ભારતમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનની યજમાનીની જાહેરાત કરી હતી અને બિમ્સટેક દેશોને આમંત્રણ આપ્યું હતું. કલા અને સંસ્કૃતિ માટે નાલંદા યુનિવર્સિટીમાં સેન્ટર ફોર બે ઓફ બેન્ગાલ સ્ટડીઝની સ્થાપનાની જાહેરાત પણ કરી હતી. તેમણે બિમ્સટેકની મહિલા સાંસદો માટે અલગ ફોરમ રચવા તેમજ યુથ કોન્ક્લેવ અને બેન્કિંગ કોન્કલેવ શરૂ કરવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
મોદી નેપાળનાં રાષ્ટ્ર પ્રમુખને મળ્યા: દ્વિપક્ષીય મંત્રણા
મોદી નેપાળનાં રાષ્ટ્ર પ્રમુખ વિદ્યાદેવી ભંડારીને મળ્યા હતા અને બંને દેશોને સ્પર્શતા દ્વિપક્ષીય મુદ્દા પર તેમજ પ્રાદેશિક સમસ્યાઓ ઉકેલવા ચર્ચા કરી હતી. મોદીએ નેપાળનાં વડાપ્રધાન કે પી શર્મા ઓલી સાથેની મુલાકાતને મહત્ત્વની ગણાવી હતી.
મોદી અને ઓલી દ્વારા નેપાળમાં પશુપતિનાથ મંદિરમાં ભારત નેપાળ મૈત્રી ધર્મશાળાના ઉદ્ઘાટન અર્થે ખાસ તૈયારીઓ કરાઈ હતી. બિમ્સટેકનાં સાત સભ્ય દેશો બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાંમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનાં નેતાઓ એકબીજાને મળ્યા હતા.
બિમ્સટેકના મહત્ત્વના મુદ્દા
- જૂન ૧૯૯૭માં બેંગકોક ઘોષણાપત્ર દ્વારા બિમ્સટેકની સ્થાપના કરાઈ.
- બિમ્સટેકનું હેડક્વાર્ટર ઢાકા બાંગ્લાદેશમાં છે.
- બંગાળની ખાડીમાં વસતા સાત દેશો બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાંમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે.
- બિમ્સટેકનું આ ચોથું સંમેલન છે. અગાઉ પહેલું ૨૦૦૪માં થાઈલેન્ડમાં, બીજું ૨૦૦૮માં ભારતમાં અને ત્રીજું ૨૦૧૪માં મ્યાનમારમાં થયું હતું.
- બિમ્સટેકનાં સભ્ય દેશોની કુલ વસ્તી ૧.૫ અબજ છે જે વિશ્વની વસ્તીનાં ૨૧ ટકા છે. તેની જીડીપી ૨૫૦૦ અબજ ડોલર છે.
- બિમ્સટેકનો ઉદ્દેશ બંગાળની ખાડીમાં રહેલા દેશો વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગનો છે.
- સભ્ય દેશો વચ્ચે રોકાણ, ટેકનોલોજી, ટુરિઝમ, માનવ સંસાધન વિકાસ, કૃષિ અને મત્સ્ય પાલન, પરિવહન અને સંચાર તેમજ કપડા અને ચામડા ઉદ્યોગમાં સહયોગ વધારવામાં આવશે.