નવી દિલ્હીઃ ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઊભર્યું છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 40 પોઇન્ટના સ્કોર સાથે પહેલીવાર ‘મેજર પાવર' કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.
આ પાવર ઇન્ડેક્સમાં 70 કે તેથી વધુ પોઈન્ટનો સ્કોર ધરાવતા દેશોને સુપરપાવર, 40થી 69 પોઈન્ટનો સ્કોર ધરાવતા દેશોને મેજર પાવર, 10થી 39 પોઈન્ટનો સ્કોર ધરાવતા દેશોને મિડલ પાવર અને 10 પોઈન્ટથી ઓછો સ્કોર ધરાવતા દેશોને માઈનોર પાવર તરીકે સ્થાન આપવામાં આવે છે. અમેરિકાએ 80.4 અને ચીને 73.7 પોઈન્ટના સ્કોર સાથે સુપર પાવર્સ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે જ્યારે મેજર પાવર્સમાં એકમાત્ર ભારત સામેલ છે.
જાપાન, રશિયા, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, સિંગાપોર, ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશો 40 પોઇન્ટથી ઓછા સ્કોર સાથે મિડલ પાવર્સમાં છે. ભારત આર્થિક ક્ષમતા, ભવિષ્યના સંસાધનો અને રાજદ્વારી પ્રભાવમાં હવે સૌથી આગળ છે. ગત વર્ષ સુધી ભારત આ ઇન્ડેક્સમાં મિડલ પાવર્સમાં હતું. ભારતનો સંતુલિત અને સ્થિર વિકાસ એશિયામાં તાકાતના સમીકરણોને નવેસરથી આકાર આપી રહ્યો છે. લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત હવે જાપાન અને રશિયા જેવા દેશોથી પણ આગળ નીકળી ગયું છે.
લોવી ઇન્સ્ટિટ્યુટનો એશિયા પાવર ઈન્ડેક્સ એશિયાના 27 દેશોમાં સૈન્ય, આર્થિક, કૂટનીતિક અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન રજૂ કરે છે. જે-તે દેશોને સૈન્ય ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક તાકાત, કૂટનીતિક પ્રભાવ, સાંસ્કૃતિક વ્યાપ, લચીલાપણા અને ભાવિ સંસાધન ક્ષમતા મળીને 8 મુદ્દે પ્રદર્શન આધારે રેન્ક અપાય છે.
લોવી ઈન્સ્ટિટ્યુટ એશિયા પાવર ઇન્ડેક્સ
રેન્ક દેશ સ્કોર ગ્રૂપ
1 અમેરિકા 80.4 સુપર પાવર
2 ચીન 73.7 સુપર પાવર
3 ભારત 40.4 મેજર પાવર
4 જાપાન 38.8 મિડલ પાવર
5 રશિયા 32.1 મિડલ પાવર


