દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે...

Monday 30th November 2020 07:14 EST
 
 

જકાર્તાઃ ઈન્ડોનેશિયામાં એક યુવાનના ઘરની છત પર ઉલ્કાનો ટુકડો પડ્યો અને ભારે નુકસાન થતાં તેનો જીવ બહુ કોચવાયો હતો. હવે આ જ ‘છપ્પરફાડ નુકસાનકારક’ ઉલ્કાપિંડે તેને રાતોરાત કરોડપતિ બનાવી દીધો છે. દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે... ઉક્તિ અહીં શબ્દશઃ સાચી પડી છે.
નોર્ધર્ન સુમાત્રામાં રહેતા જોશુઆ હુટાંગલુંગ નામના ૩૩ વર્ષીય યુવાન સાથે આ અનોખી ઘટના બની છે. ૧૭ નવેમ્બરે તેના મકાનની પરસાળમાં અચાનક ધમ્મ અવાજ સાથે કંઈક પછડાયું હતો.
જોશુઆએ ઓરડામાંથી બહાર નીકળીને જોયું તો છત તૂટી ગઈ હતી અને જમીનમાં ઊંડો ખાડો પડી ગયો હતો. ખાડામાં મોટો પથ્થર પડયો હતો. જોશુઆએ કુતૂહલ સથે તે પથ્થરનો સ્પર્શ કર્યો તો એ થોડોક ગરમ હતો. જોશુઆ સમજી ગયો કે નક્કી આ પથ્થર અવકાશમાંથી જ આવ્યો છે.
દરમિયાન પથ્થર અથડાવાનો પ્રચંડ અવાજ આવ્યો હોવાથી આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા.
તપાસ કરતાં આ પથ્થર ઉલ્કાનો જ ટૂકડો હોવાનું જણાયું હતું. તેનું વજન ૨.૧ કિલોગ્રામ હતું. આથી નિષ્ણાતોએ અંદાજ લગાડયો હતો કે તેનું મૂલ્ય ઓછામાં ઓછું ૧૮.૫ લાખ ડોલર તો ઉપજશે જ. આથી વધુ નાણાં ઉપજે તો પણ નવાઇ નહીં. આ સાંભળીને જોશુઆના આનંદનો પાર નથી રહ્યો.
પથ્થર પડયાં પછી અનેક લોકો એ જોવા જોશુઆના ઘરે એકઠા થયા હતા. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે ઉલ્કા ૪.૫ બિલિયન વર્ષ પ્રાચીન હોવી જોઈએ. શબપેટી બનાવીને પોતાનું ગુજરાન ચલાવતા જોશુઆનું નસીબ આ ઉલ્કાપાત સાથે ઉઘડી ગયું છે કેમ કે જોશુઆ કહે છે કે આ પથ્થરની અંદાજિત કિંમત મારી ૩૦ વર્ષની આવકના સરવાળા જેટલી થાય છે!
ઉલ્કા પૃથ્વી પર દુર્લભ હોવાથી તેના સંગ્રાહકો છે, તો વળી અવકાશ સંબંધિત સંશોધકોને પણ તેની બહુ આવશ્યકતા રહેતી હોય છે. આથી ઉલ્કા ક્યા પ્રકારે અને કેવા આકારમાં ધરતી પર આવી છે, તે કેટલી પ્રાચીન હોઇ શકે વગેરે માપદંડોના આધારે તેનું મૂલ્ય નક્કી થતું હોય છે. વળી જો, ઉલ્કામાં દુર્લભ ધાતુનો સંગમ હોય તો તેના ૧ ગ્રામના ૧૦૦૦ ડોલર સુધી ઊંચી રકમ ઉપજી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter