દ્વિપક્ષી સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવા ભારત-કેનેડા તૈયારી કરી રહ્યા છેઃ જયશંકર

(કેનેડા કોર્નર)

Wednesday 30th September 2026 11:57 EDT
 
 

યુનાઇટેડ નેશન્સ (યુએન)ઃ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં ભાગ લેવા ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ વચ્ચે મંત્રણા થઈ હતી. જયશંકરે આ મંત્રણાને રચનાત્મક ગણાવતા કહ્યું હતું કે, ભારત-કેનેડાના સંબંધોને વધુ ઈંચા સ્તરે લઈ જવા બંને દેશ તૈયારી કરી રહ્યા છે. કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદને મળીને હંમેશા આનંદ આવે છે.

આ સાથે ભારતના વિદેશ મંત્રીએ અનિતા સાથેની ચર્ચાની ટૂંકી વીડિયો ક્લિપ પણ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે અનિતા આનંદ ભારતીય મૂળના છે. તેમના માતા-પિતા તમિલનાડુ અને પંજાબથી કેનેડા સ્થાયી થયા હતા.માર્ચ 2025માં કેનેડાના વિદેશ મંત્રી બન્યા પછી અનિતાએ જયશંકર સાથે ઘણી મુલાકાતો કરી છે.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અગાઉ યુએનમાં જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાની મુલાકાત લે તેવી શક્યતા છે. ભારત સાથે ટ્રેડ નેગોશિએશનમાં સારી પ્રગતિ સધાઈ છે. પીપલ-ટુ-પીપલ, સલામતી અને ટ્રેડ-ઈકોનોમિક સહિત ઘણાં સ્તરે ઘણા સારા સંબંધો છે. ભારત અને કેનેડાએ ગત વર્ષે G20 દરમિયાન ચર્ચા વેળા નિર્ધાર કર્યો હતો કે આ વર્ષની (એટલે કે 2026ની) G20 પૂર્વે વાટાઘાટો પૂર્ણ કરી લેવાશે. નોંધનીય છે કે અમેરિકાના ફ્લોરિડા ખાતે 14 ડિસેમ્બરે G20 સમિટ યોજાવાની છે. ‘ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામી’ રિસોર્ટ ખાતે યોજાનારા આ સમિટની યજમાની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કરી રહ્યા છે.
મોદીની કેનેડા મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની શક્યતા અંગે જવાબ આપતા કાર્નીએ કહ્યું હતું કે, 2030 સુધીમાં બંને દેશનો દ્વિપક્ષી વેપાર બમણો કરી 70 બિલિયન કેનેડિયન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય છે.

પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત-કેનેડાના સંબંધો અત્યંત કથળી ગયા હતા. કેનેડામાં હરદીપસિંઘ નિજ્જરની હત્યા બદલ ટ્રુડોએ ભારત સરકાર અને ભારતીય એજન્ટ્સને જવાબદાર ઠેરવ્યા પછી તણાવ વધ્યો હતો. માર્ચ-2025માં કાર્નીએ હોદ્દો સંભાળ્યા પછી ભારત-કેનેડાના સંબંધોમાં સુધારો શરૂ થયો છે. આ વર્ષે જુલાઈ મહિનામાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે, નિજ્જર કેસની તપાસ દરમિયાન ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter