ધરતી પર આકાશગંગાનું અવતરણ!

બોલિવિયાઇ ‘સોલ્ટ ફ્લેટ’ એટલે જાણે ધરતી પરનો વિશાળ આયનો

Monday 09th May 2022 17:23 EDT
 
 

સાઉથ અમેરિકાના બોલિવિયામાં આવેલું સાલાર દે ઉયુની દુનિયાનું સૌથી મોટું મીઠાનું મેદાન એટલે કે ‘સોલ્ટ ફ્લેટ’ તરીકે જાણીતું છે. સમુદ્ર સપાટીથી 3656 મીટરની ઊંચાઇએ એન્ડીઝ પઠારના 10,500 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલો સોલ્ટ ફ્લેટ બોલિવિયાનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. દુનિયાભરમાંથી પર્યટકો અહીં દિવસ દરમિયાન વિશાળ સફેદ મેદાન નિહાળવા આવે છે તો રાતના સમયે ચમકીલા તારાઓ અને આકાશગંગા તેમજ ધરતીના આયનામાં પ્રતિબિંબિત થતો મનમોહક નજારો નિહાળવા પહોંચે છે. મીઠાનું મેદાન લગભગ સમથળ છે. એક સ્થળથી બીજા સ્થળની ઊંચાઇમાં વધુમાં વધુ એકાદ મીટરનો ફરક હશે. નવેમ્બરથી એપ્રિલથી દરમિયાન વરસાદ થતાં સમગ્ર પ્રદેશ જાણે એક વિશાળ સરોવરમાં બદલાઇ જાય છે. મીઠાના મેદાન પર છવાયેલી પાણીની ચાદર તેને વિશાળ આઇનામાં પરિવર્તીત કરી નાંખે છે, જેમાં માત્ર વાદળા, તારા કે આકાશગંગા જ નહીં, પરંતુ ધરતી અને આસમાનની વચ્ચે આવેલું બધેબધું ચોખ્ખું જોઇ શકાય છે. અને આ જ અહીંનો અદભૂત, આહલાદ્ક નજારો છે. વૈજ્ઞાનિકોના મતે, લગભગ 40 હજાર વર્ષ પહેલા અહીં અસ્તિત્વ ધરાવતા પ્રાગૈતિહાસિક કાળના સરોવરોના પાણીનું બાષ્પીભવન થઇ ગયું અને જે બચી ગયું તે બન્યું સાલાર દે ઉયુની સોલ્ટ ફ્લેટ. કેટલાક મીટર જાડા મીઠાના પડળ નીચેના ખારા પાણીમાં લીથિયમનું પુષ્કળ પ્રમાણ આ જગ્યાને લીથિયમના અન્ય સ્રોતો કરતાં વિશેષ મહત્ત્વની બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter