સિડનીઃ કોઇ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન વ્યક્તિના તન-મન (અને ધન) માટે નુકસાનકારક હોય છે તે વાત તો સહુ કોઇ જાણે છે, પરંતુ એ વાત ભાગ્યે જ કોઇ જાણતું હશે કે આ નશાનું દૂષણ કેટલા સૈકાથી અસ્તિત્વ ધરાવે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં થયેલા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે માનવજાત દ્વારા નશાકારક પદાર્થોનો ઉપયોગ નિષ્ણાતોની માન્યતા કરતાં પણ ઘણો પ્રાચીન છે.
ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર, ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર 25,000 વર્ષ પહેલાં (છેલ્લા હિમયુગ દરમિયાન) માનવો ‘સોપારી’ મોઢામાં રાખીને નશો કરતા હતા. આ સાથે જ તેઓ વિશ્વના સૌથી જૂના નશાખોર માનવ તરીકે નોંધાયા છે.
અત્યાર સુધી એવું મનાતું હતું કે માનવોએ નશાકારક પદાર્થોનો ઉપયોગ આશરે 13,000 વર્ષ પહેલાં ‘નિયોલિથિક’ (નૂતન પાષાણ) યુગમાં શરૂ કર્યો હતો. પરંતુ પ્રોફેસર એડમ બ્રમના નેતૃત્વ હેઠળના સંશોધને આ સમયગાળાને 10,000 વર્ષ પાછળ ધકેલી દીધો છે. સુલાવેસી ટાપુ પરથી મળી આવેલા બે પ્રાચીન માનવ અવશેષોના સોળ દાંત પર ઊંડા અને ગોળ ઘસારાના નિશાનો મળી આવ્યા હતા. પ્રયોગો દ્વારા સાબિત થયું કે આ નિશાનો આખી સોપારી ચૂસવાના કારણે પડયા હતા. સોપારી ચૂસવાથી તેમાંથી નીકળતું ‘એરેકોલિન’ તત્વ મગજને ઉત્તેજિત કરીને હળવો નશો અને માનસિક સજાગતા આપતું હતું.
સંશોધકોનું માનવું છે કે શરૂઆતમાં આ પ્રાચીન માનવો દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે સોપારીનો ઉપયોગ કરતાં હશે. આ શોધ દર્શાવે છે કે માનવો મગજ પર અસર કરતા પદાર્થોનો ઉપયોગ કરતા હતા અને આજના સમયની નશાની કેટલીક આદતો પ્રાચીન સંસ્કૃતિ સાથે ખૂબ ઊંડેથી જોડાયેલી છે.


