વિન્ડહોક (નામિબિયા)ઃ આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી 24 કલાક કોલ્ડ ડ્રિન્ક્સ મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ પિન્ક ફ્રીઝ કેમ્પેઇનની શરૂઆત નામિબિયા સરકારના ટુરિઝમ બોર્ડે કરી છે, જેથી રણમાં મુસાફરી કરતાં સહેલાણીઓને થોડી રાહત મળી રહે. આ ફ્રીઝ સોલર એનર્જીથી ચાલે છે, અને તેમાં દિવસ દરમિયાન અનેક વખત ઠંડા પીણા અને આઈસ ટીનો સ્ટોક ભરવામાં આવે છે. શરૂઆતમાં સહેલાણીઓ આ ફ્રીઝમાંથી કંઈક લેતા પહેલાં સંકોચ અનુભવતા હતા, પરંતુ જેમ-જેમ આ ફ્રિઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયું, તેમ-તેમ પર્યટકોમાં પણ તે લોકપ્રિય થયું છે.