નવી દિલ્હીઃ કેરળમાં ફાટી નીકળેલા નિપાહ રોગના કારણે મધ્ય પૂર્વના યુએઇ અને બહેરિન દેશો સહિત કેટલાક દેશોએ કેરળમાંથી મંગાવવામાં આવતા ફળ અને શાકભાજીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. અત્યાર સુધી આ બીમારીએ ૧૫ જણાનાં ભોગ લીધા છે. મગજને ભારે નુકસાન કરનાર આ બીમારીનો વાયરસ ચેપી હોય છે અને હાલમાં માનવી અથવા પશુઓ માટે તેની કોઇ જ રસી શોધાઇ નથી. આ રોગ ચામાડિયા દ્વારા ફેલાય છે.
મોટાભાગના દેશો હવે કેરળમાંથી આવતા ફળ અને શાકભાજી પર પ્રતિબંધ મૂકવા વિચારે છે. બહેરિન સરકારે તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે, ૨૩મેથી કેરળથી આવતાં ફળ અને શાકભાજી પર પ્રતિબંધ મૂકીએ છીએ. અમે જ્યાં સુધી ન જણાવીએ ત્યાં સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે. સંયુક્ત આરબ અમિરાતે પણ આ રીતે જ કેરળના શાક ફળ પર પ્રતિબંધ મૂક્યો હતો.