નીરવ મોદીએ વિશ્વમાં એક જ હીરો ફેરવીને છેતરપિંડી કરી: અમેરિકા

Friday 31st August 2018 06:54 EDT
 
 

નવી દિલ્હીઃ નીરવ મોદી દ્વારા પીએનબી સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે હવે એક ‘પીળા-નારંગી હીરા’ની વાત સામે આવી છે. જેના દ્વારા કૌભાંડ થયાની વાત આવી હતી. અમેરિકામાં નીરવ મોદી કાંડની તપાસમાં આ સ્પષ્ટતા થઈ છે. બ્લુમબર્ગના એક રિપોર્ટ અનુસાર, નીરવ મોદીએ આ એક જ હીરાને દુનિયાના વિભિન્ન દેશોમાં ખોલાયેલી પોતાની જ કંપનીઓમાં ખરીદ્યો અને વેચ્યો હતો અને દરેક વખતે તેની કિંમતમાં લાખો ડોલરની વધ-ઘટ દેખાડાઈ હતી. અમેરિકામાં નીરવ મોદીની કંપનીઓના નાદારી પરીક્ષણ રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રણ કેરેટના હીરાને ૨૦૧૧માં નીરવ મોદી દ્વારા નિયંત્રિત ત્રણ શેલ કંપનીઓમાં ઓછામાં ઓછી ચાર વાર ખરીદવામાં અને વેચવામાં આવ્યો હતો.

સાત વર્ષ પહેલાંનું કૌભાંડ

અહેવાલમાં જણાવાયું હતું કે, નીરવ મોદીએ ૨૦૧૧ની શરૂઆતના પાંચ જ અઠવાડિયામાં આ હીરાની હેરફેરનું કૌભાંડ પાર પાડયું હતું. તેણે પોતાની શેલ કંપની દ્વારા આ હીરો ચાર વખત અલગ અલગ ભાવે વેચ્યો હતો. તેણે ૧.૩ કરોડ ડોલરનો હીરો ૭.૭ કરોડ ડોલરમાં વેચ્યો હતો. આ રીતે તેણે ખોટા બિલ બનાવવાનું શરૂ કર્યું હતું. ૨૧.૧૮ કરોડ ડોલરના ખોટા બિલ બનાવીને તેણે પીએનબી પાસેથી મોટાપાયે લોન લીધી હતી.

રાઉન્ડ ટ્રિપિંગ આયાત-નિકાસની રમત 

તાજેતરમાં ૨૫મી ઓગસ્ટે સુપરત કરાયેલા રિપોર્ટ અનુસાર ભારતના સૌથી મોટા બેંકિંગ ગોટાળાના કેન્દ્રમાં છે રાઉન્ડ ટ્રિપિંગ. રાઉન્ડ ટ્રિપિંગ આયાત-નિકાસની એવી રમત છે, જેમાં એક જ વસ્તુના વારંવાર સોદાને અલગ-અલગ ટ્રાન્ઝેકશનના રૂપમાં દેખાડાય છે. અપ્રત્યક્ષ રૂપથી મોદીની માલિકીની ત્રણ અમેરિકી જ્વેલરી કંપનીઓના નાદારી પરીક્ષણ કેસમાં તપાસકર્તા જોન જે કારની અનુસાર તાબડતોબ ખરીદારી પ્લાનનો હિસ્સો હતો, જેના અંતર્ગત મોદી અને એના સહયોગીઓએ એક વર્ષમાં ૪ બિલિયન ડોલર ઉધાર લીધા. જ્યારે ભારતમાં ૨૦ શેલ કંપનીઓના સમૂહ દ્વારા ડાયમંડ અને બીજી જ્વેલરીની આયાતનો દેખાડો કરાયો. ‘પીળા-નારંગી રંગનો ચમકતો હીરો’ સૌ પ્રથમ અપ્રત્યક્ષ રૂપથી મોદીની માલિકીની અમેરિકી કંપની ફાયરસ્ટાર ડાયમંડ્સને વેચાયો. ઓગસ્ટ ૨૦૧૧માં એને કથિત રૂપથી નીરવ મોદીની જ શેલ કંપની ફેંસી ક્રિએશન્સ કંપની લિમિટેડમાં હોંગ-કોંગ લઈ જવાયો. એની કિંમત આશરે ૧૧ લાખ ડોલર હતી. બે સપ્તાહ પછી એને નીરવ મોદી ફેમિલી ટ્રસ્ટ દ્વારા રચાયેલા સોલર એક્સ્પોર્ટ દ્વારા ફરીથી અમેરિકામાં ફાયરસ્ટાર ડાયમંડ કંપનીમાં મોકલી દેવાયો. એક સપ્તાહથી પણ ઓછા સમય બાદ ફરી ફાયરસ્ટાર કંપનીએ એને ફેન્સી ક્રિએશન્સને વેંચી દીધો અને આ વખતે એની કિંમત ૧૬ લાખ ડોલર લગાડવામાં આવી.

કુલ ૨૧.૩૮ કરોડ ડોલર

૨૦૧૧થી ૨૦૧૭ વચ્ચે કુલ ૨૧૩.૮ મિલિયન ડોલરની રાઉંડ ટ્રિપિંગ થઈ, જે દરમિયાન પીએનબી કૌભાંડ આચરવામાં આવ્યું. આ દરમિયાન બનાવાયેલા બિલોને શોર્ટ ટર્મ લોન લેવા માટે પંજાબ નેશનલ બેન્કને આપી દેવામાં આવ્યા. રિપોર્ટમાં જણાવાયું છે કે એના પછી લોનથી મળેલી રકમનો ઉપયોગ નીરવ મોદીની લાઈફસ્ટાઈલ અને કારોબારી કંપનીઓમાં કરવામાં આવ્યો. નવી લોનનો ઉપયોગ જૂની લોનની ચુકવણી માટે કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter