નોર્થ કોરિયાએ દરિયાઈ રેતી વેચીને ૨.૨ કરોડ ડોલર ઊભા કર્યા

Friday 19th June 2020 12:53 EDT
 
 

વોશિંગ્ટનઃ રેતીની કિંમત શું? કદાચ તમે કહેશો એક પેની પણ નહિ, પણ રખે તેવું માનતા. બદનામ તાનાશાહ કિમ જોંગ ઊનના નેતૃત્વના હેઠળ નોર્થ કોરિયાએ વીતેલા એક વર્ષમાં માત્ર દરિયાઇ રેતી વેચીને અધધધ ૨૨ મિલિયન ડોલરની જંગી કમાણી કરી છે. વોશિંગ્ટનસ્થિત એડવાન્સ ડિફેન્સ સ્ટડી સેન્ટરના સંશોધકોએ નોર્થ કોરિયાની સેટેલાઈટ ઇમેજનો અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી નોર્થ કોરિયા તેના દરિયાના પેટાળમાં રેતી કાઢીને વેચી રહ્યું છે અને તેને ખરીદવા માટે ૨૮૦ જેટલા જહાજો નોર્થ કોરિયાના દરિયાકિનારે જોવા મળી રહ્યા છે.
નોર્થ કોરિયા પર ૨૦૧૭માં યુનાઇટેડ નેશન્સે લાગુ કરેલા પ્રતિબંધ અનુસાર તેઓ તેમની પૃથ્વીનું કોઈ ઉત્પાદન કે પથ્થરોને પણ વેચી શકે તેમ નથી. જોકે, દુનિયાની આંખોમાં રેત નાંખવા માટે જ નોર્થ કોરિયાના દરિયાકાંઠે મોટી સંખ્યામાં જંગી જહાજોને લાંગરવામાં આવ્યા છે. રેતીના જથ્થાને એકથી બીજા જહાજમાં અને બીજાથી ત્રીજા જહાજમાં ફેરવવામાં આવે છે જેથી તે ખરેખર ક્યાંથી આવી છે તેની બીજા કોઇ દેશને ખબર ન પડે.
સેટેલાઈટની મદદથી નોર્થ કોરિયાની ગતિવિધિઓ પર નજીર રાખી રહેલા નિષ્ણાતો જણાવે છે કે નોર્થ કોરિયાના બંદરે જોવા મળી રહેલા મોટા મોટા જહાજો તેના મિત્ર દેશ ચીનના જ હોવાનું મનાય છે. મોટા ભાગના જહાજો પર ચીની ધ્વજ ફરતો જોવા મળ્યો છે. જ્યારે કેટલાકના નામ ચીની છે. સેટેલાઈટ ઇમેજમાં જોઈ શકાય છે કે નોર્થ કોરિયાના દરિયાના પેટાળમાંથી રેતીને ઉલેચીને કાઢવામાં આવી રહી છે.
વિશિષ્ટ બંધારણ ધરાવતી નોર્થ કોરિયાની દરિયાના પેટાળની રેતી કિંમતી મનાય છે અને હાલ તેનો સૌથી મોટો ખરીદદાર ચીન છે. ભૂતકાળમાં પણ નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગ રેતના વેપાર માટે જાણીતી બની ચૂકી છે. વર્ષ ૨૦૦૮માં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને ૭.૩૩ કરોડ ડોલરની રેત વેચી હતી. ચીનમાં મોટા પાયે બાંધકામો ચાલતાં હોય છે. આ ઉપરાંત ઘણા ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ રેતીનો ઉપયોગ થતો હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter