નોર્વેમાં ૬૯ દિવસ સૂરજ આથમતો જ નથી, દુનિયાનો પહેલો ટાઈમ ફ્રી ઝોન જાહેર

Friday 06th September 2019 13:20 EDT
 
 

ઓસ્લોઃ પૃથ્વીના છેડે ઉત્તર ધ્રુવ વિસ્તારમાં મહિનાઓ લાંબી રાત અને મહિનાઓ લાંબા દિવસો હોય છે. મતલબ કે એક વખત સૂર્ય ઉગ્યા પછી દિવસો સુધી આથમતો નથી. આથમ્યા પછી દિવસો સુધી ઉગતો નથી. આ ભૌગોલિક સ્થિતિ જોકે જાણીતી છે, પણ આખી દુનિયામાં સૂરજ ઉગે અને સવાર પડતી હોય એવી સ્થિતિ અહીં નથી. આથી યુરોપના ઉત્તર છેડે આવેલા દેશ નોર્વેના સમારોય ટાપુએ પોતાને સમયની ઝંઝટમાંથી મુક્ત કરી દીધો છે. આ ટાપુ જગતનો પ્રથમ ટાઈમ ફ્રી ઝોન બન્યો છે. અહીં હવે લોકોએ ઘડિયાળ પહેરવાની જરૂર નથી.
અહીં મે મહિનામાં સૂરજ ઉગે પછી છેક જુલાઈના અંત સુધી આથમતો નથી. પૃથ્વીનો ઉત્તર ભાગ હોવાથી પૃથ્વી પોતાની ધરી પર પ્રદક્ષિણા કરતી હોવા છતાં અહીં ૧૨ કલાકના દિવસ - રાત થતા નથી. આથી સવારના છ વાગ્યા કે રાતના બાર વાગ્યા એવું કહેવાનો પણ અહીં મતલબ રહેતો નથી. એ સંજોગોમાં સમય હોય કે ન હોય શું ફરક પડે? અહીં મધરાતના બાર વાગ્યા હોય ત્યારે પણ લોકો ફૂટબોલ રમતા હોય કે દિવસના દસ વાગ્યે લોકો પથારીમાં પડયા હોય. સૂર્યના આધારે તેઓ ટાઈમ-ટેબલ ગોઠવી શકતા નથી.
પ્રવાસીઓમાં અતિ લોકપ્રિય ટાપુના ૩૦૦ જેટલા રહેવાસીઓએ સમયમાંથી મુક્તિનો નિર્ણય લઈને નોર્વેના સત્તાધિશોને તેની જાણ કરી દીધી છે. સતત દિવસો સુધી સૂર્યપ્રકાશ હોય ત્યારે લોકો છ કલાકને બદલે થાકે એટલા કલાક કામ કરી શકે. એ રીતે નવેમ્બરથી જાન્યુઆરી સુધી અંધકાર હોય ત્યારે ઘણા કામ એવા હોય છે, જે આસાનીથી થઈ શકતા નથી.
અત્યારે આ નિર્ણયથી દુકાનો ખોલવાનો સમય, સ્કૂલનો સમય વગેરે કેટલાક સમય આધારિત કામકાજોને અસર થવાની શક્યતા છે. જોકે એક વખત નોર્વેની સંસદ નિર્ણયને મંજૂરી આપી દેશે તો પછી એ બધા પક્ષકારો પણ કોઈને કોઈ રસ્તો કાઢશે, એડજસ્ટમેન્ટ કરી લેશે. અલબત્ત, અહીં આવતા પ્રવાસીઓ પોતાની સાથે ઘડિયાળ રાખશે તો જ તેમનું કામ સરળ બનશે કેમ કે તેમણે સમય પ્રમાણે ચાલતા વિમાનો પકડવાના હોય છે. જોકે અહીં આવનારા કે રહેનારા કોઈ ‘સમય નથી...’ની ફરિયાદ નહીં કરી શકે. કેમ કે અહીં સમય માપવામાં જ નથી આવતો, કોઈને કોઈ કેટલા વાગ્યા એમ પણ પૂછતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter