વોશિંગ્ટનઃ ન્યૂ ઝીલેન્ડમાં ચિંતાજનક રીતે વધી રહેલી માઈક્રોપ્લાઝ્મા બોવિસ નામની બીમારીને અટકાવવા માટે સરકારે ૧.૨૬ લાખ ગાયોને મારવાનો આદેશ આપ્યો છે. ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અમારા માટે બહુ મુશ્કેલ હતો. અબોલ જીવોનો નાશ કરવાનો નિર્ણય ન છૂટકે લેવો પડયો છે. કારણ કે અમારી પાસે બે જ વિકલ્પો હતા. એક તો બીમારીને અટકાવવા માટે જેમાં સંક્રમણ ફેલાયું હતું તે ગાયોનો નાશ કરવો અથવા તો આખા દેશમાં એ બીમારી ફેલાવવા દેવી. આખરે અમે ૧.૨૬ લાખ ગાયોનો નાશ કરવાનો નિર્ણય લીધો છે. બોવિસ નામની આ બીમારીના કારણે વિચિત્ર પ્રકારનો તાવ આવે છે, ગાંઠ થાય છે અને સાંધા જકડાઈ જવાની બીમારી શરીરમાં જોવા મળે છે. સરકારે દાવો કર્યો હતો કે આ બીમારીથી લડવા માટે અત્યાર સુધીમાં ૪૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે.