ન્યૂ યોર્કઃ અમેરિકી મહાનગર ન્યૂ યોર્ક શહેરમાં લોકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે હવે નવા મકાન બનાવવા માટે પણ જગ્યા નથી બચી. એટલું જ નહીં, બધી હોટેલો ફૂલ રહે છે. પરિણામે હાલ ન્યૂ યોર્કમાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક પ્રકારનું પ્રવાસી સંકટ ઊભું થયું છે. ન્યૂ યોર્કમાં પોતાના સપનાં પૂરા કરવા માટે જતા પ્રવાસીઓ માટે હવે કોઈ જગ્યા નથી બચી.
સારું જીવન જીવવા અને વધુ તકોની તલાશમાં હજારો પ્રવાસીઓ ન્યૂ યોર્ક પહોંચી રહ્યા છે. જોકે તેઓની સામે હાલ સૌથી મોટુ સંકટ રહેવાની વ્યવસ્થા કરવાનું છે. એક સમયે જે પર્યટકો અને પ્રવાસીઓને કારણે ન્યૂ યોર્કનું અર્થતંત્ર ધમધમતું હતું તેઓ હવે પ્રશાસન માટે બોજ બનવા લાગ્યા છે. ગયા વર્ષે ન્યૂ યોર્કમાં 1.18 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા. જેમાંથી 60 હજારથી વધુ લોકોને શહેરના શેલ્ટર સિસ્ટમમાં રાખવા પડ્યા હતા. જોકે અધિકારીઓ આ પ્રવાસીઓની જે જરૂરિયાતો છે તેને પુરી કરવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે.
ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે આ પરિસ્થિતિને માનવીય સંકટ ગણાવી છે. સાથે દાવો કર્યો છે કે આ સંકટ ન્યૂ યોર્ક શહેરને નષ્ટ કરી શકે છે. મોટા ભાગના પ્રવાસીઓ સાઉથ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકી દેશોમાંથી ન્યૂ યોર્કમાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કર્યો તે બાદ પણ અનેક લોકો ન્યૂ યોર્કમાં આવ્યા છે. લોકો અનેક સપનાઓ સાથે ન્યૂ યોર્ક પહોંચે છે. તેઓ શરૂઆતમાં હોટેલમાં રહેવા માટે પણ તૈયાર થઇ જાય છે. જોકે હોટેલો ફૂલ હોવાથી મજબુરમાં તેઓ હોટેલની બહાર ફૂટપાથ પર સુવા મજબુર બન્યા છે.