વેલિંગ્ટનઃ સોનું આજે એવી મોંઘેરી જણસ થઇ ગઇ છે કે તેનું નામ પડતાં જ લોકોના કાન ચમકે છે. અને એમાંય આ તો વળી નદીમાંથી વિનામૂલ્યે સોનુ મળી રહ્યાની વાત હતી. લોકો સોનુ ભેગુ કરી લેવા ઉમટે નહીં તો જ નવાઇ... ન્યૂઝીલેન્ડમાં આજથી 150 વર્ષ પહેલાં ‘ગોલ્ડ રશ’ જોવા મળ્યો હતો. બસ, તેવો જ રોમાંચ ફરી એકવાર જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં સાઉથ આઇલેન્ડની ક્લેથા નદી કિનારેથી એક સામાન્ય નાગરિકને નદીની રેતીમાંથી અસલી સોનું મળી આવ્યું અને ‘ગોલ્ડ રશ’ શરૂ થયો છે. તિમારુ શહેરના 33 વર્ષીય માઈક નામના વ્યક્તિએ રજાના દિવસે માત્ર શોખ ખાતર નદીકિનારે રેતી ચાળવાનું શરૂ કર્યું હતું. તેની પાસે માત્ર પાવડો અને સોનાના કણો ધરાવતી નદીની રેતી ચાળવા માટે જરૂરી સાધારણ સાધનો હતો.
દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે જેવી ઉક્તિ જેવું જ કંઇક બન્યું. આશ્ચર્યજનક રીતે તેને થોડી જ વારમાં રેતીમાંથી 2.7 ગ્રામ સોનું મળી આવ્યું, જેની બજાર કિંમત અંદાજે 140 યુએસ ડોલર (આશરે 106 બ્રિટિશ પાઉન્ડ)માં થતી હતી. બસ, લોકોને કાનોકાન આ વાતની જાણ થઇ અને લોકો નદીકિનારે બેસીને રેતી ચાળવાના કામે લાગી ગયા છે. માઇકની જેમ કેટલાને સોનુ મળ્યું એ તો આપણે નથી જાણતા, પણ લોકોની આશા-અપેક્ષામાં દમ જરૂર છે. વાત એમ છે કે 1860ના દાયકામાં ક્લુથા નદી સોનાના મુખ્ય સ્ત્રોત તરીકે જાણીતી હતી. તે સમયે પણ આવો જ જુવાળ જામ્યો હતો.
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, પર્વતોમાંથી ધોવાઈને આવતા સોનાના ઝીણા કણો આજે પણ નદીની રેતીમાં જમા થાય છે. જોકે હવે તો ખાણકામ મોટા ભાગે બંધ થઈ ગયું છે, પરંતુ કુદરતી પ્રક્રિયાને કારણે નદીઓમાં સોનું હજી પણ અસ્તિત્વ ધરાવે છે.


