ન્યૂયોર્ક બાદ લોસ એન્જલસમાં ભારતીય મૂળના મેયર, નિત્યા રામન વિજયી

Tuesday 17th November 2026 09:51 EST
 
 

લોસ એન્જલસઃ ભારતીય મૂળના સિટી કાઉન્સિલર નિત્યા રામને વર્તમાન મેયર કેરેન બાસને પરાજય આપીને લોસ એન્જલસના મેયર પદની ચૂંટણી જીતી લીધી છે. અમેરિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં આ એક મહત્વપૂર્ણ રાજકીય વિજય માનવામાં આવે છે. વર્ષ 2020માં પ્રથમ વખત લોસ એન્જલસ સિટી કાઉન્સિલમાં ચૂંટાયેલા રામને ફેબ્રુઆરીમાં મેયર પદની રેસમાં પ્રવેશ કર્યો હતો અને કેરેન બાસને પડકાર આપ્યો હતો. રામનને તાજેતરના વર્ષોમાં સિટી હોલમાં પ્રભાવશાળી બનેલા જૂથોનું સમર્થન મળ્યું હતું, જેમાં ડાબેરી વિચારધારા ધરાવતા 'ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ્સ ઓફ અમેરિકા' અને પરિવહન ક્ષેત્રે કામ કરતી સંસ્થા 'સ્ટ્રીટ્સ ફોર ઓલ' નો સમાવેશ થાય છે. વર્ષ 1981માં કેરળમાં જન્મેલા રામન છ વર્ષની ઉંમરે અમેરિકા શિફ્ટ થયા હતા અને 22 વર્ષની વયે અમેરિકી નાગરિકત્વ મેળવ્યું હતું. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માંથી અર્બન પ્લાનિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. રાજકારણમાં પ્રવેશતા પહેલા, રામને સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ સુધારવાના હેતુથી 'ટ્રાન્સપેરન્ટ ચેન્નાઈ' નામના અર્બન રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરી હતી.

ઓહાયો ગવર્નર પદની રેસમાં કટ્ટર ટ્રમ્પ સમર્થક વિવેક રામાસ્વામીનો પરાજય

ઓહાયોઃ ઓહાયો ગવર્નર પદની રેસમાં ડેમોક્રેટ અમી એક્ટને રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીને પરાજય આપ્યો છે. એક્ટનને 50.9 ટકા અને રામાસ્વામીને 45.8 ટકા મત મળ્યા હતા. એક્ટન 20 વર્ષમાં આ બેઠક જીતનારા પ્રથમ ડેમોક્રેટ અને ઓહાયોના પ્રથમ મહિલા ગવર્નર બન્યા છે. વિવેક રામાસ્વામી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક છે અને ટ્રમ્પે પણ વિવેક રામાસ્વામીના વિજય માટે પ્રચાર કર્યો હતો. જોકે ટ્રમ્પ વિરોધી લહેરમાં રામાસ્વામીનું વહાણ પણ ડૂબી ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter