પતિના અઢળક પ્રેમથી જીવન નરક બન્યું છે, તલાક અપાવો!

Saturday 31st August 2019 06:14 EDT
 
 

દુબઈઃ પતિ-પત્નીનું દામ્પત્યજીવન સામાન્ય રીતે વિખવાદ, ઝઘડાને કારણે ખોરંભે પડતું હોય છે, પરંતુ યુએઈમાં અનોખો મામલો અખબારોમાં ચમક્યો છે. આ કિસ્સામાં અતિશય પ્રેમાળ પતિ ઝઘડો કે વિખવાદ કરતો ન હોવાથી પત્નીએ તલાક માગ્યા છે. અહીંની એક મહિલા ફઝરાહાએ શરિયત કોર્ટમાં ફરિયાદ (!) કરી છે કે તેનો પતિ બહુ જ શરીફ અને નેકદિલ છે. જ્યારથી લગ્ન થયા છે ત્યારથી ક્યારેય ઊંચા અવાજે વાત નથી કરી. ઊલટાનું હંમેશાં દરેક કામમાં મદદ કરે છે. ઘરની સફાઈમાં સાથ આપે છે. એટલું જ નહીં, ઘણી વખત જાતે ભોજન રાંધીને ખવડાવે છે. મહિલાએ કોર્ટને કહ્યું પતિનો આ પ્રેમ જોઈને તેને ગૂંગળામણ થાય છે. દાંપત્યજીવનમાં બધું એટલું બધું સારું છે કે જીવન એક રીતે ‘જહન્નુમ’ (નરક) બન્યું છે.
તેને વધુમાં કહ્યું કે આટલું તો કોઈ પણ પતિ કરતો નથી. તે ક્યારેય ગુસ્સો કરતો નથી. મને એવું લાગે છે કે એક વખત મારી સાથે ઝઘડો કરે. દલીલો કરે, પરંતુ એવું પણ ન થયું. મેં ઘણી વખત કોશિશ કરી કે અમારા બંને વચ્ચે ઝઘડો થાય પરંતુ તે ક્યારેય ઉશ્કેરાતો જ નથી.
આથી ઉલટું દલીલો કરવાને બદલે તે ઘરને ભેટ-સોગાદથી ભરી દે છે. મને એવો પતિ જોઈતો હતો જે જીવનની વાસ્તવિકતાને સમજે. દરેક મુશ્કેલ પરિસ્થિતિનો વિચાર કરે. ક્યારેક ક્યારેક ઝઘડો પણ કરે, પરંતુ એવું કંઇ થતું નથી. તે ચૂપચાપ મારી બધી વાતો માની લે છે.
ફઝરાહાએ તલાક માટે અરજી તો કરી છે, પણ કોર્ટે આ કેસ સુનાવણીમાં લીધો નથી. બીજી તરફ, પતિએ કોર્ટને કહ્યું કે તે એક સારો પતિ બનવા માગતો હતો. જેથી પત્નીને કોઈ ફરિયાદ ના રહે, પરંતુ મારા પ્રેમે જ તેને તલાક માગવી મજબૂર કરી છે. મારી પત્નીએ સંબંધને જાળવી રાખવા એક વખત પુનઃ વિચાર કરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter