પર્સન ઓફ ધ યરઃ ઐતિહાસિક પ્રતિનિધિત્વ કરે છે બાઇડેન - હેરિસની જોડી

Monday 14th December 2020 11:16 EST
 
 

ન્યૂ યોર્કઃ ‘ટાઈમ’ મેગેઝિને ‘પર્સન ઓફ ધ યર’ માટે આ વર્ષે ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ-ઉપપ્રમુખ જો બાઇડેન અને કમલા હેરિસ પર પસંદગી ઉતારી છે. અમેરિકાથી પ્રસિદ્ધ થતા આ વિશ્વખ્યાત મેગેઝિન દ્વારા દર વર્ષના અંતે શક્તિશાળી વ્યક્તિની પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવે છે. આ પરંપરા ૧૯૨૭થી ચાલી આવે છે. ઉલ્લેખનીય છે કે ૧૯૨૭માં આ પ્રથા શરૂ થયાના ચોથા જ વર્ષે ૧૯૩૦માં મહાત્મા ગાંધીને પર્સન ઓફ ધ યર જાહેર કરાયા હતા.

મેગેઝિને બાઇડેન-હેરિસની પસંદગી માટે કારણ આપતા લખ્યું હતું કે આ જોડી ઐતિહાસિક પ્રતિનિધિત્વ કરે છે. અમેરિકાની લોકશાહીના બે સદી કરતા જૂના ઇતિહાસમાં પ્રથમ વાર મહિલા ઉપ-પ્રમુખ ચૂંટણીમાં વિજેતા થયા છે.
પર્સન ઓફ ધ યરની રેસમાં વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના સામેની લડતના અગ્રણી અમેરિકી ડોક્ટર એન્થની ફૌસી, રંગભેદ સામેનું આંદોલન વગેરે સામેલ હતા. જોકે ‘ટાઈમ’ મેગેઝિને પોતાની સંપાદકીય નોંધમાં લખ્યું છે કે આ જોડી અમેરિકાની સ્ટોરીમાં પરિવર્તન લાવી રહી છે.
આ નોંધમાં વધુમાં લખ્યું છે કે છેક ફ્રેન્કલિન ડી રુઝવેલ્ટ (૧૯૩૨)ના વખતથી એવું બનતું આવ્યુ છે કે યુએસ પ્રમુખને પર્સન ઓફ ધ યર બનવાની તક મળતી જ હોય છે, પરંતુ યાદીમાં ઉપ-પ્રમુખનો પણ સમાવેશ થયો હોય એવો આ પ્રથમ કિસ્સો છે.
એન્થની ફૌસી ભલે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ ન થયા, પરંતુ ‘ટાઇમ’એ તેમને ગાર્ડિયન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે. ડો. એન્થનીએ અમેરિકાને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે ખૂબ જ ઘનિષ્ઠ પ્રયાસ કર્યા છે અને આમ કોરોના સામેની લડતમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. અલબત્ત, એ વાત અલગ છે કે પ્રમુખ ટ્રમ્પે એન્થનીની ઘણી સલાહો માની નહોતી, પરિણામે અમેરિકામાં કોરોના કેસ વધતા ગયા અને હજારો લોકો મોતના મુખમાં હોમાઇ ગયા.

બાઇડેન-હેરિસની વિચારધારા સમાન

‘ટાઈમ’ મેગેઝિને લખ્યું છે કે બિડેન-કમલા બન્ને અલગ અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે, અલગ અલગ વિસ્તારમાંથી આવે છે, અને તેમની ઉંમરમાં પણ તફાવત છે, પરંતુ તેમની વિચારધારા સમાન છે અને એ વિચારધારાને અત્યારે અમેરિકી પ્રજાએ અપનાવી છે. ‘ટાઈમ’એ આખા જગતના કોરોના વોરિયર્સની પણ પ્રસંશા કરી હતી.

આશરાધર્મ નિભાવનારા રાહુલ દુબે 'હિરોઝ ઓફ ૨૦૨૦'

‘ટાઇમ’ મેગેઝિને પર્સન ઓફ ધ યર ઉપરાંત પાંચ વ્યક્તિ-સંગઠનને ‘હિરોઝ ઓફ ૨૦૨૦’ તરીકે જાહેર કર્યા છે. આ યાદીમાં ભારતીય મૂળના રાહુલ દુબે પણ એક છે. અમેરિકામાં જ્યારે અશ્વેત નાગરિક ફ્લોઈડના મોત પછી હિંસક દેખાવો - આંદોલન ચાલતા હતા ત્યારે રાહુલે આશરાધર્મ નિભાવ્યો હતો. રાહુલે પોતાના વોશિંગ્ટન સ્થિત ઘરમાં ૭૦થી વધારે પ્રદર્શનકારીઓને આશરો આપ્યો હતો. અમેરિકામાં સામાન્ય રીતે આવો આશરો આપનારા મળતા નથી.
રાહુલ દુબેએ કહ્યું હતું કે ‘સાત વાગ્યા પછી કરફ્યુ લાગુ પડતો હતો. એે વખતે ઘણા પ્રદર્શનકારી રસ્તા પર હતા. પોલીસ તેમને બધી દિશાએથી ઘેરી રહી હતી. એમની પાસે બહાર નીકળવા માટે કોઈ રસ્તો ન હતો. પોલીસ તેમના પર પાણીનો મારો ચલાવે એ પહેલા મેં દરવાજો ખોલીને તેમને અંદર બોલાવી લીધા હતા. જો તે નાગરિકો બહાર રહ્યા હોત તો તેમના વિરુદ્ધ કરફ્યુ ભંગની કાર્યવાહી થઈ હોત.’ દુબેએ તેમને આખી રાત સાચવ્યા એટલું જ નહીં, તેમની પૂરતી સંભાળ લઇને ભોજન અને પાણી પણ પૂરા પાડયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter