કાબુલઃ પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને ભારે તબાહી વેરી હતી. પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર પ્લેને રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. આમાં 400 લોકોનાં મોત થયાં છે, જ્યારે 250થી વધુ ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાન સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાનના આ હુમલામાં 2000 બેડની હોસ્પિટલને નિશાન બનાવાઈ છે, જેમાં 400 લોકોનાં મોત થયાં છે, જ્યારે 250 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર, દારુલઅમાન, અરજાન કીમત, ખૈરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના ઘણાં સ્થળોએ બ્લાસ્ટ અને ફાયરિંગના અવાજ સંભળાયા હતા. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક નશામુક્તિ હોસ્પિટલ પર પણ બોમ્બ ફેંક્યા છે.
તાલિબાને આ હુમલાની સખત નિંદા કરતાં તેને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો છે અને કહ્યું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તાએ આરોપોને પાયાવિહોણા ગણાવતાં કહ્યું કે, કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવાઈ નથી.
દરમિયાન, અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને પાકિસ્તાની હુમલાઓની સખત નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કાબુલમાં તાજેતરમાં થયેલા હવાઈ હુમલાથી લોકો દુઃખી છે. આ હુમલામાં ઘણા સામાન્ય લોકોના જીવ ગયા. કેટલાક હુમલા ઘરો, શાળાઓ અને હોસ્પિટલ પર થયા. સામાન્ય લોકોના વિસ્તારો પર હુમલો કરવો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર યુદ્ધ અપરાધ મનાય છે, ભલે તે જાણીજોઈને કરવામાં આવ્યો હોય કે ભૂલથી. ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિના દરમિયાન આવી ઘટનાથી લોકોમાં વધુ દુઃખ અને ગુસ્સો છે.


