નવી દિલ્હી: પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ મિશન માટેના દૂત રિચર્ડ ગ્રેનેલે તાજેતરમાં કેલિફોર્નિયામાં પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફના સંસ્થાપક અને કારાવાસ ભોગવી રહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પુત્રો સાથે મુલાકાત કરી હતી. તેમણે ઈમરાન ખાનની ધરપકડ તે રાજકીય દમન હોવાનું જણાવીને તેમને મુક્ત કરવાની માગણી દોહરાવી હતી. ગ્રેનલે ઈમરાન ખાનના મોટો પુત્ર સુલેમાન ઇસા અને નાના પુત્ર કાસિમ ખાન સાથે તસવીરો પણ શેર કરી હતી. તેમણે તસવીર શેર કરતાં લખ્યું કે, બંનેની સાથે સમય વિતાવીને સારું લાગ્યું. કેલિફોર્નિયામાં બંનેનું સ્વાગત છે.’ રિચર્ડ ગ્રેનેલે એક્સ પર લખ્યું કે, ‘કેલિફોર્નિયામાં સ્વાગત છે મારા મિત્રો. તમારી સાથે સમય વિતાવીને સારું લાગ્યું. સુલેમાન અને કાસિમ તમે મજબૂત બની રહ્યા છો. વિશ્વભરમાં લાખો લોકો છે કે જે આવા રાજકીય દમનથી કંટાળી ગયા છે. તમે એકલા નથી.’