નવી દિલ્હી: પાકિસ્તાનને દારૂગોળા અને શસ્ત્રાસ્ત્રોની ભારે ખેંચ ઉભી થઇ છે. તેથી તેની યુદ્ધક્ષમતા પર સીધી અસર થવા સંભવ છે. પાકિસ્તાને ડોલર કમાવા યુક્રેન અને ઇઝરાયલને પણ ભારે મોટા પ્રમાણમાં શસ્ત્રો વેચ્યાં હોવાથી હવે તેની પાસે શસ્ત્રાસ્ત્રોનો જથ્થો એટલો ઘટી ગયો છે કે જો વ્યાપક યુદ્ધ થાય તો તે માત્ર ચાર દિવસ જ ચાલી શકે તેમ છે. વૈશ્વિક સંઘર્ષની દ્રષ્ટિએ જોતાં પાકિસ્તાન એક તરફ આર્થિક કટોકટી ભોગવી રહ્યું છે, તો બીજી તરફ તેનાં વ્યૂહાત્મક અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થોય છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં તે બહારથી તટસ્થ હોવાનો દેખાવ કરતું હતું પરંતુ ગુપ્ત રીતે યુક્રેનને શસ્ત્રો વેચતું હતું. વાહ કેન્ટોનમેન્ટ સ્થિત પાકિસ્તાન ઓર્ડીનન્સ ફેકટરીએ લાખ્ખો આર્ટિલરી શેલ્સ, રોકેટ્સ, અને સ્મોલ આર્મ્સ (રાયફલ, ટોપીગન્સ વ.) ગુપ્ત માર્ગો દ્વારાં યુક્રેનને વેચ્યાં હતાં.
2023ના ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં પાકિસ્તાને 42,000 122 એમએમનાં બીએમ-21 રોકેટ્સ વેચ્યાં હતાં. 60,000 155 એમએમના હોવિત્ઝર શેલ્સ અને 1,30,000 122 એમએમનાં રોકેટ્સ વેચી પાકિસ્તાન 364 મિલિયન ડોલર કમાયું હતું. આ નફાના 80 ટકા તો રાવલપિંડી સ્થિત, પાકિસ્તાન આર્મીનાં જનરલ હેડ ક્વાર્ટસ પહોંચાડાયા હતા. 2022-23નાં નાણાકીય વર્ષમાં પાકિસ્તાનની શસ્ત્ર નિકાસ 415 મિલિયન ડોલર્સ પહોંચી હતી. જે અગાઉનાં વર્ષનાં પ્રમાણમાં 3000 ટકાનો વધારો દર્શાવે છે.
પાકિસ્તાન પાસે 6 લાખનું સૈન્ય છે. તેને પાકિસ્તાન ઓર્ડીનન્સ ફેકટરી શસ્ત્રો પૂરાં પાડે છે. ભૂમિ યુદ્ધમાં આર્ટીલરી (તોપખાતુ) મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ તે તોપખાના માટેના ગોળા યુક્રેનને વેચ્યા. આ ઉપરથી ડીફેન્સ એનેલિસ્ટસ કહે છે કે જો વ્યાપક યુદ્ધ થાય તો પાકિસ્તાન પાસે અત્યારે 4 દિવસ જ ચાલે તેટલો શસ્ત્ર સરંજામ છે.