પાક.ના સિંધમાં અસામાજિક તત્ત્વોએ હિંદુ મંદિરની મૂર્તિઓ તોડી

Friday 05th May 2017 08:51 EDT
 

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના દક્ષિણી સિંધ પ્રાંતમાં એક મંદિરમાં કેટલાક અજ્ઞાાત લોકોએ મૂર્તિઓની તોડફોડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પાસેની એક ગટરમાંથી કેટલીક મૂર્તિઓનાં તૂટેલાં અવશેષો મળી આવ્યાં છે. આ ઘટના થાટા જિલ્લાનાં ગારો શહેરમાં બની હતી. ગારો શહેરમાં લગભગ બે હજાર પરિવારો રહે છે જેમાં મોટાભાગનાં હિંદુઓ છે. ઘટનાના સંદર્ભમાં ત્રણ વ્યક્તિઓ સામે ઈશ્વરનિંદા અને આતંકવાદનો કેસ દાખલ કરી એફઆઇઆર નોંધાઈ છે. એસએસપી ફિદાહુસેન મસ્તોઈએ જણાવ્યું કે ઘટનાની તપાસ કરાઈ રહી છે, પણ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.

મંદિરમાં શું બન્યું?

સ્થાનિક હિંદુ કોર્પોરેટર લાલ મહેશ્વરીએ કહ્યું કે, તેઓ ઘટનાની રાતે મંદિરમાં હાજર હતા. એવું લાગે છે કે રાત્રે એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં કોઈએ મંદિરમાં પ્રવેશ કર્યો હશે, જ્યારે સવારે લોકો મંદિરમાં પૂજા કરવા માટે આવ્યા ત્યારે મંદિરમાંથી મૂર્તિઓ ગાયબ હતી. મંદિરના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની છે. સિંધ પ્રાંતના મુખ્ય પ્રધાનના લઘુમતી બાબતોના સલાહકાર ખટ્ટોમલે જણાવ્યું કે હુમલાખોરોની જલદી ધરપકડ કરવામાં આવશે. લઘુમતીઓનાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાની ઘટના આ પહેલાં પણ બહાર આવી છે. પાકિસ્તાનમાં હિંદુ મંદિરો સતત ઉપદ્રવીનાં નિશાન પર રહ્યાં છે એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં હિંદુઓનાં લગભગ ૧,૪૦૦ જેટલાં ધાર્મિક સ્થળો છે જેને સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter