પાક.ના હિંગળાજ મંદિરે માનવ મહેરામણ ઉમટ્યો

Thursday 14th October 2021 02:43 EDT
 
 

ઇસ્લામાબાદઃ હાલના દિવસોમાં બલુચિસ્તાનનો લાસબેલા-મકરાન તટીય માર્ગ માના જયકારાથી ગૂંજી રહ્યો છે. ભક્તોના કાફલા હિંગળાજ માતા મંદિરે પહોંચી રહ્યા છે. નવરાત્રિ ઉત્સવ દરમિયાન આ મંદિર પાકિસ્તાનનું સૌથી દર્શનીય શક્તિપીઠ છે. બે વર્ષથી કોરોનાને લીધે અહીં ઉત્સવ સાદગીથી મનાવાયો હતો. આ વખતે વિદેશી લોકોને પણ પ્રવેશની પરવાનગી અપાઈ છે. ભારત, બાંગ્લાદેશ, સિંગાપોર, બેંગકોક, થાઈલેન્ડ અને અન્ય દેશોથી પણ ભક્તોના જથ્થા પહોંચી રહ્યા છે.
માના દર્શન કરવા આવેલા આદર્શ કહે છે કે હું ૨૩૪ કિ.મી. દૂર મીરપુર ખાસથી પગપાળા ચાલીને આવ્યો છું. મારી સાથે મુસ્લિમ મિત્ર જમશેદ પણ છે જે માતાનાં દર્શન માટે ઉત્સાહિત છે. જેમ મુસ્લિમો માટે મક્કા પવિત્ર સ્થાન છે એ જ રીતે હિન્દુઓ માટે હિંગળાજ માતા છે. સ્થાનિક મુસ્લિમો પણ અહીં આવીને પ્રાર્થના કરે છે.
અહીં ભક્તો ૩૦૦ ફૂટ ઊંચા ચંદ્રગુપ અને ખંડેવરી જ્વાળામુખી પર નારિયેળ વધેરે છે અને ફૂલ ચઢાવે છે. પછી મંદિર પાસે આવેલી હિંગોળ નદીમાં સ્નાન કર્યા બાદ જ માતાનાં દર્શન કરે છે. અહીં માતાને ગુલાબ અને જાસ્મીનનાં ફૂલો અર્પણ કરવાની પરંપરા છે.
પૌરાણિક માન્યતા છે કે દુનિયાને ભગવાન શિવના તાંડવથી બચાવવા વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના પાર્થિવ શરીરને અનેક ટુકડામાં વિચ્છેદ કરી નાખ્યો હતો. આ ટુકડા જે જે સ્થાને પડ્યા તે શક્તિપીઠ તરીકે ઓળખાયા. દેવી સતીનું માથું હિંગળાજ પર્વત પર પડ્યું હતું એટલા માટે તે ૫૧ શક્તિપીઠમાં સૌથી પ્રમુખ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter