મિલાન: પહલગામ આતંકી હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાન ફરતે રાજકીય અને કૂટનીતિક ગાળિયો કસવામાં આવ્યો છે. હવે તેનાં પર આર્થિક પ્રહાર કરવા સોમવારે ઈટાલીનાં મિલાનમાં ભારતના નાણાંપ્રધાન નિર્મલા સીતારામન એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)નાં અધ્યક્ષ માસાતો કાંડાને મળ્યા હતા અને પાકિસ્તાનને કરવામાં આવતી તમામ આર્થિક સહાય બંધ કરવા રજૂઆત કરી હતી.
તેઓ ઈટાલીના નાણાપ્રધાન જિયાનકાર્લો જ્યોર્જેટ્ટીને મળ્યા હતા અને ત્યાં પણ પાક.ને ફંડ રોકવા રજૂઆત કરાઈ હતી. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદને પોષતા અને વેગ આપતા દેશને આર્થિક ફંડ આપવું જોઈએ નહીં. પાક.ને ફરી FATFનાં ગ્રે લિસ્ટમાં મૂકવા માગણી કરાઈ હતી. પાક.ની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી વિશ્વની કેટલીક બેન્કો જેવી કે એડીબી તેમજ આઇએમએફ દ્વારા અબજો ડોલરની મદદ કરાય છે.
ભારતના વિરોધનું કારણ
આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાનો દ્વારા પાક.ને અપાતા ફંડનો ભારત એટલા માટે વિરોધ કરી રહ્યું છે કે તેને જે પૈસા આપવામાં આવે છે તેનો ઉપયોગ પાક. દ્વારા આતંકી પ્રવૃત્તિને વેગ આપવા માટે કરાય છે. તેને ફરી FATFના ગ્રે લિસ્ટમાં મૂકવા તેમજ IMF દ્વારા આપવામાં આવનાર 7 બિલિયન ડોલરની સહાય બંધ કરવા માગણી કરાઈ છે.