ઇસ્લામાબાદ: પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણા આકરાં પગલાં લીધા છે. જવાબમાં બીજા દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી કમિટી (એનએસસી)ની મહત્ત્વપૂર્ણ બેઠક મળી, જેમાં ભારત માટે પાકિસ્તાનની એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ ઉપરાંત સિમલા કરાર સહિત દ્વિપક્ષી કરારો પણ રદ કરી દેવાયા છે. ભારતની કાર્યવાહીથી રઘવાયા થયેલા પાકિસ્તાને કહ્યું કે સિંધુ જળ સંધિ હેઠળ તેના માટે નિર્ધારિત જળ રોકવાનું કોઈ પણ પગલું યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે. આ માટે જરૂર પડ્યે અમે લોહી પણ વહાવશું.
ભારતીય ફ્લાઇટ્સ માટે એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરતા પાકિસ્તાને કહ્યું કે પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર તમામ ભારતીય માલિકીની કે ભારતીય સંચાલિત એરલાઈન્સ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયું છે. ભારત સાથે વ્યાપાર તેમજ વાયા પાકિસ્તાન કોઈ ત્રીજા દેશ સાથે ભારતનો વ્યાપાર પણ તત્કાળ બંધ કરી દેવાયો છે. બેઠકમાં પાકિસ્તાનના અગ્રણી પ્રધાનો અને સૈન્યની ત્રણેય પાંખના વડાએ ભાગ લીધો હતો.
એનએસસીની બેઠક બાદ જારી નિવેદનમાં જણાવાયું હતું કે, પાકિસ્તાન ભારત સાથે તમામ દ્વિપક્ષી કરારો સ્થગિત રાખવાના અધિકારનો ઉપયોગ કરશે, જેમાં સિમલા કરાર પણ સામેલ છે. વાઘા બોર્ડર ચોકી તાત્કાલિક અસરથી બંધ કરાશે.