ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહલગામ હુમલાને પગલે ભારતના સૈન્ય હુમલાનો પાકિસ્તાનને ડર હોવાનું કબૂલી લીધું છે. તેમણે સોમવારે કહ્યું કે ભારત ગમે ત્યારે હુમલો કરશે એ નક્કી છે. ભારત તરફથી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તેમણે પાકિસ્તાનની તૈયારીઓની પણ માહિતી આપતા જણાવ્યું કે અમે અમારા સુરક્ષા દળોને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે કેમ કે ભારત તરફથી હુમલો નિશ્ચિત છે. આ સંજોગોમાં કેટલાક કૂટનીતિક નિર્ણયો લેવા પડે એમ છે, જે લેવાઈ રહ્યા છે. ખ્વાજા આસિફના કહેવા પ્રમાણે પાકિસ્તાની સૈન્યએ ભારત તરફથી કોઇ પણ પ્રકારના આક્રમણની સંભાવના અંગે સરકારને માહિતી આપી છે. જોકે તેમણે આ અંગે વધુ વિગતો નહોતી આપી.
તેમણે કહ્યું કે પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે અને જો અમારા અસ્તિત્વ પર જોખમ ઊભું થયું તો અમે અમારા પરમાણુ શસ્ત્રોના જથ્થાનો ઉપયોગ કરીશું.
ભારત પર ભરોસો નથી, હુમલાની તપાસ રશિયા-ચીન કરે
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનો દાવો કરીને ભારતે પડોશી દેશ સામે અનેક આકરાં પગલાં લીધા છે. આતંકીઓને છાવરવા માટે દુનિયામાં બદનામ પાકિસ્તાને પહલગામ હુમલાની તપાસમાં જોડાવા માટે ભારતને ઓફર કર્યા પછી હવે નવી માગણી કરી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, તેમને ભારત પર વિશ્વાસ નથી. પહલગામ હુમલાની તપાસમાં રશિયા અને ચીનને સામેલ કરવા જોઈએ. ખ્વાજા આસિફે રશિયન સરકારની ન્યૂઝ એજન્સીને મુલાકાત આપી હતી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે રશિયા અથવા ચીને ત્યાં સુધી કે પશ્ચિમી દેશો પણ આ મુશ્કેલ સમયમાં ઘણી સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે અને તેઓ એક તપાસ ટૂકડી બનાવી શકે છે, જેને પહલગામમાં હુમલાની તપાસનું કામ સોંપવું જોઈએ. આ તપાસ ટીમ ભારત અથવા પીએમ મોદી સાચું બોલી રહ્યા છે કે ખોટું તેની તપાસ કરી શકે છે.