પાક.માં ધમધમતા આતંકી સંગઠનો સામે ઈમરાને પગલાં લેવા પડશેઃ કમલા હેરિસ

Thursday 30th September 2021 04:25 EDT
 
 

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા દરમિયાન અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે આતંકવાદનો મુદ્દો ઊઠાવતાં પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સાથે સાથે જ ઈમરાન ખાનને પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સામે પગલાં લેવા જણાવ્યું હતું. ઉપપ્રમુખ કમલા હેરિસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠનોને આશરો અપાઈ રહ્યો છે અને તેના પર કાર્યવાહીની જરૂર છે. કમલા હેરિસે વડા પ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો કામ કરી રહ્યા છે. અમેરિકા અને ભારતની સલામતી પર અસર ન પડે તે માટે તેના દેશમાં ફૂલેલા-ફાલેલા આતંકી સંગઠનો પર ઈમરાન ખાન સરકારે પગલાં લેવા જોઈએ.
હેરિસે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો કામ કરી રહ્યા છે. તેમણે દાયકાઓથી ભારત સરહદ પારના આતંકવાદનો ભોગ બનતો આવ્યો હોવાની બાબત પર પણ સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે કબૂલ્યું કે આવા આતંકી સંગઠનોને પાકિસ્તાનમાંથી મળી રહેલા સહયોગને નજીકથી મોનિટર કરવાની જરૂર છે.
વ્હાઈટ હાઉસમાં મોદી અને કમલા હેરિસે લોકતંત્ર, અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેમણે ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભારત-અમેરિકાના મૂલ્યો એકસમાન
વ્હાઈટ હાઉસમાં ભારતીય મૂળના સૌપ્રથમ અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે પ્રથમ વ્યક્તિગત બેઠક કર્યા પછી એક નિવેદનમાં મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકાના મૂલ્યો એકસમાન છે, તેમના ભૌગોલિક-રાજકીય હીતો પણ એકસમાન છે. ભારત અને અમેરિકા વિશ્વના બે સૌથી મોટા અને સૌથી જૂના લોકતંત્રો હોવાનું નોંધતાં મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશોના મૂલ્યો એકસમાન છે અને તેમનો સહયોગ ક્રમશઃ વધી રહ્યો છે. મોદીએ કોરોનાના મુશ્કેલ સમયમાં ભારતને સતત સાથ આપવા બદલ અમેરિકાનો આભાર માન્યો હતો.
આપના સ્વાગતની પ્રતિક્ષા છે...
કમલા હેરિસની પ્રશંસા કરતાં મોદીએ કહ્યું કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે આપની ચૂંટણી એક ઐતિહાસિક ઘટના બની રહી છે. આપ વિશ્વના અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છો. કમલા હેરિસને ભારત આવવાનું નિમંત્રણ આપતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતના લોકો આપનું સ્વાગત કરવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. હું આપને ભારત આવવાનું નિમંત્રણ આપું છું.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં આગેકૂચની પ્રશંસા કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ કોરોના મહામારીને રોકવાના પ્રસાયો, ગંભીર બીમારીઓની દવાના અવિરત પુરવઠાની ખાતરી, ભારત-પેસિફિક પ્રદેશ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કમલા હેરિસે જણાવ્યું કે, આપણે આપણા દેશોમાં લોકતાંત્રિક સિદ્ધાંતો અને સંસ્થાનોની રક્ષા કરીએ તે જરૂરી છે.
મુલાકાતનું આગવું મહત્ત્વ
અમેરિકાના પ્રવાસના બીજા દિવસે ૨૩ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે પહેલી વાર મુલાકાત કરી હતી. ભારતીય મૂળનાં કમલા હેરિસ અમેરિકાના ઇતિહાસમાં ઉપપ્રમુખપદે પહોંચનારા પહેલાં અશ્વેત અને દક્ષિણ એશિયન રાજનેતા છે. ગયા વર્ષે નવેમ્બરમાં કમલા હેરિસ ઉપપ્રમુખ બનતા તામિલનાડુના તેમના પૈતૃક ગામમાં આતશબાજી થઈ હતી અને લોકોએ ઉત્સવ ઊજવ્યો હતો.
વડા પ્રધાન મોદીએ તેમની સિદ્ધિ પર અભિનંદન આપતા કહ્યું હતું કે તમે આખી દુનિયાના ઘણા લોકો માટે પ્રેરણાસ્રોત છો. મને પૂરો વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ બાઇડેન અને તમારા નેતૃત્વમાં આપણા દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.

મોદીએ કમલા હેરિસને તેમના દાદા સાથે સંકળાયેલા જૂના જાહેરનામા ભેટ આપ્યાં

વડા પ્રધાન મોદીએ કમલા હેરિસને વૂડન હેન્ડિક્રાફ્ટમાં મઢેલા તેમના દાદા પી.વી. ગોપાલનને લગતા ગેઝેટ ઓફ ઇન્ડિયામાં જાહેર થયેલા જૂના જાહેરનામાની અવિસ્મરણીય ભેટ આપી હતી. તે ઉપરાંત મોદીએ કમલા હેરિસને ગુલાબી મીનાકારી કરેલો શતરંજનો સેટ ભેટમાં આપ્યો હતો. તો ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનને આકર્ષક મીનાકારી કરેલો મોર અને જપાનના વડા પ્રધાનને ચંદનકાષ્ઠમાંથી કંડારેલી ભગવાન બુદ્ધની પ્રતિમા ભેટ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter