વોશિંગ્ટનઃ પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. અમેરિકાની વિદેશી બાબતોની કમિટીના ચેરમેન સાંસદ જિમ રિસ્કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પાક. સરકાર નાગરિકો પર ઇશનિંદા જેવા કાયદા અને ભેદભાવ કરતી નીતિઓનો અમલ કરીને લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ખુદ પાકિસ્તાનના માનવ અધિકાર પંચ દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરાઈ છે. પાક.ના માનવ અધિકાર પંચે ગયા ઓગસ્ટમાં સ્ટ્રીટ ઓફ ફિયર અને ધાર્મિક સ્વતંત્રતા વગેરે મુદ્દે રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ટોળા દ્વારા ઇશનિંદાના નામે લોકોની ખુલ્લેઆમ હત્યાના વધી રહેલા કેસો અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી.


