ઈસ્લામાબાદઃ પાક. સત્તાએ ઇસ્લામાબાદમાં હિન્દુઓ માટે મંદિર, કમ્યુનિટી સેન્ટર અને સ્મશાન માટે જગ્યા ફાળવવાનો નિર્ણય ૧૦મી ડિસેમ્બરે જાહેર કર્યો છે. ઇસ્લામાબાદમાં કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ)ની મિટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. ઇસ્લામાબાદમાં અડધા એકરનો પ્લોટ હિન્દુ પૂજા અને દિવંગત અંતિમ વિધિ માટે ફાળવી દેવાયો છે. ઇસ્લામાબાદમાં આશરે ૮૦૦૦ હિન્દુઓ રહે છે અને મંદિર નહીં હોવાથી તેમને દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારોની ઉજવણી ઘરમાં કરવી પડે છે. શહેરમાં સ્મશાનગૃહ નથી તેથી મૃતદેહોની અંતિમક્રિયા રાવલપિંડી કે વતનમાં જઈને કરવી પડે છે. હાલમાં ઇસ્લામાબાદ અને રાવલપિંડી વચ્ચે સદ્દારમાં ભગવાન કૃષ્ણનું એક માત્ર મોટું મંદિર છે. જોકે, રાવલપિંડીના રહેણાક ભાગોમાં થોડાક નાનાં મંદિરો છે. સીડીએ બોર્ડે ઓલ પાકિસ્તાન બુદ્ધિસ્ટ સોસાયટીને ફાળવવામાં આવેલા પ્લોટની બાજુનો જ પ્લોટ હિન્દુઓ માટે ફાળવ્યો છે.