ઈસ્લામાબાદઃ ચીનની અતિ મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ, વન રોડ યોજના હેઠળ પાક.માં પણ કામ ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ ચીન અને પાક. ૮.૨ અબજ ડોલરના ખર્ચે સંયુક્ત રીતે સિલ્ક રૂટ પણ બનાવી રહ્યા છે. જેમાં અરબી સમુદ્રથી હિંદુ કુશ પર્વતમાળા સુધી રેલવે લાઈન બિછાવવાની યોજનાનો પણ સમાવેશ થાય છે. આ રેલ પ્રોજેક્ટ કરાચીના દરિયા કિનારાને પણ પેશાવર સાથે જોડશે. જે ચીનનો પાક.માં આકાર લઈ રહેલો સૌથી મોટો પ્રોજેક્ટ છે. જોકે, હાલમાં પાકિસ્તાન ભારે દેવા તળે દબાયેલું હોવાથી આ સમગ્ર યોજના પર પુનર્વિચાર કરી રહ્યું હોવાના અહેવાલ છે. આ પ્રોજેક્ટ અંગે ચિંતા વ્યક્ત કરતા ઈમરાન ખાન સરકારે ચેતવણી આપી હતી કે, વધુ પડતી વિદેશી લોન દેશના અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે. પાકિસ્તાન પ્લાનિંગ પ્રધાન ખુશરો બખ્તયારે કહ્યું હતું કે, તમામ જોખમો વચ્ચે આ યોજના કેવી રીતે આગળ વધી શકે એ માટે અમે કોઈ મોડેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.