પાકિસ્તાનમાં અતિ પ્રાચીન મંદિરો વિશેનું અનોખું પુસ્તક

Tuesday 10th February 2015 12:29 EST
 
 

નવી દિલ્હીઃ દક્ષિણ એશિયાનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. પાકિસ્તાનમાં પણ અનેક ઐતિહાસિક સ્થળો છે. કરાચીસ્થિત પત્રકાર અને લેખિકા રીમા અબ્બાસીએ પાકિસ્તાનમાં રહેલાં ૧૫૦૦ વર્ષ જૂના મંદિરોનો અભ્યાસ કરી તેનું એક પુસ્તકરૂપે સુંદર વિવરણ કર્યું છે. ૨૯૬ પાનના આ પુસ્તકમાં ૪૦૦થી વધુ ફોટોગ્રાફ છે, જેને ફોટોગ્રાફક મહીદા એજાઝે કંડાર્યા છે. રીમાએ તેમાં પાકિસ્તાનના ચાર પ્રાંતોના મંદિરોનો ઇતિહાસ આલેખ્યો છે અને આજના સમયમાં ત્યાં રહેતા લોકો વિષે વર્ણન કર્યું છે. આ પુસ્તકનું નામ છે ‘હિસ્ટોરિક ટેમ્પલ્સ ઈન પાકિસ્તાન: અ કોલ ટુ કોન્સિયન્સ’ છે, જેનું વિમોચન થોડા સમય પહેલા કરવામાં આવ્યું છે.

આ પુસ્તકમાં જે મંદિરો વિશેના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં ‘હિંગળાજ’, ‘કતાસ રાજ’, ‘કાલકા કેવ’, ‘પંચમુખી હનુમાન મંદિર’ અને ‘શિવાલા મંદિર’ જેવા અનેક મંદિરોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં મંદિરો ઉપરાંત હિન્દુ પરંપરા મુજબની વિધિઓ, ઉત્સવો અને પ્રાદેશિક લોકોની અનેક તસવીરો છે. ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોમાં જીવંત પૌરાણિક ઈતિહાસમાં સામેલ ધાર્મિક સ્થળોના બહોળા સંશોધન પછી આ પુસ્તકનું પ્રકાશન થયું છે.

આ પુસ્તક અંગે રીમા અબ્બાસી કહે છે કે, તેઓ છેલ્લા દસ વર્ષથી બિનસાંપ્રદાયિક્તા, સહિષ્ણુતા વગેરે મુદ્દાઓ પર જ તેમના લેખનમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. આ પુસ્તક એ જ સંશોધનનું મર્મ છે એમ કહી શકાય. રીમા અબ્બાસીએ આ પુસ્તક લખવા માટે બલુચિસ્તાન, સિંધ અને પેશાવર જેવા વિસ્તારોમાં એક વર્ષ જેટલો સમય ગાળ્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter