પાકિસ્તાનમાં ખનન દરમિયાન મળ્યું ૨૩૦૦ વર્ષ જૂનું બૌદ્ધ મંદિર

Friday 07th January 2022 08:03 EST
 

કરાચીઃ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં પાકિસ્તાની અને ઇટાલિયન પુરાતત્વવિદોની સંયુક્ત ટીમે બૌદ્ધકાળના ૨૩૦૦ વર્ષ જૂનાં એક મંદિરને ખનન દરમિયાન શોધ્યું છે. આ ખનન દરમિયાન પૌરાણિક સિક્કા, વીંટી સહિતની આશરે ૨૭૦૦ મૂલ્યવાન ચીજવસ્તુઓ મળી છે. આ મંદિર તક્ષશિલામાં મળેલા મંદિરો કરતાં પણ પ્રાચીન હોવાનો સંશોધકોનો દાવો છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવા પ્રાંતના સ્વાત જિલ્લાના બારીકોટ તાલુકાના બાજીરા શહેરમાં ખનન દરમિયાન આ બૌદ્ધ મંદિર મળ્યું છે. પાકિસ્તાનમાં આવેલા બૌદ્ધકાલીન મંદિરો પૈકી આ મંદિર સૌથી જૂનું હોવાનો દાવો સંશોધકો દ્વારા કરાઇ રહ્યો છે.
સંશોધનમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલા ખનન દરમિયાન આશરે ૨૩૦૦ વર્ષ જૂનાં મંદિર ઉપરાંત વીંટી, સિક્કા, વાસણો અને યુનાનના રાજા મિનાંદરના સમયની ખરોષ્ઠી ભાષામાં લખાયેલી કેટલીક સામગ્રી પણ મળી આવી છે.
ઇટાલિયન સંશોધકોએ દાવો કર્યો છે કે બાજીરા શહેરમાં ખનન દરમિયાન હજુ પણ અનેક પુરાતત્વીય સ્થળો મળી આવે તેવી શક્યતા છે. પાકિસ્તાન સ્થિત ઇટાલિયન રાજદૂત આંદ્રે ફેરાસિસનું કહેવું છે કે પાકિસ્તાનમાંથી મળેલું આ પુરાતત્વીય સ્થળ દુનિયાના વિભિન્ન ધર્મો માટે અતિ મહત્વપૂર્ણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter