પાકિસ્તાનમાં મંદિર પર હુમલોઃ મૂર્તિઓની તોડફોડ

Thursday 16th June 2022 12:11 EDT
 
 

કરાંચીઃ પાકિસ્તાનનાં કરાચીમાં ફરી એક વાર હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરાઇ છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ પાક.માં અલ્પસંખ્યક હિન્દુ સમુદાયના પૂજા અને પ્રાર્થનાના સ્થળો પર છેલ્લા કેટલાક સમયથી હુમલા કરવામાં આવી રહ્યા છે. તેમાં એક ઘટનાનો ઉમેરો થયો છે.
કરાચીના કોરંગી વિસ્તારમાં શ્રી મારી માતાના મંદિરમાં આઠમી જૂને હિન્દુ મંદિર પર કેટલાક તોફાની તત્વો દ્વારા હુમલો કરાયો હતો. હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને તોડી નાખવામાં આવી હતી. આ ઘટના પછી કરાચીમાં વસતા હિન્દુ સમુદાયમાં ફફડાટ ફેલાયો છે.
પાકિસ્તાનમાં અગાઉ પણ હિન્દુ મંદિરો પર અજાણ્યા ટોળાં દ્વારા હુમલાની ઘટનાઓ બની છે. ઓક્ટોબરમાં કોટરી ખાતે સિંધુ નદીના કિનારે આવેલા જૂના મંદિરને ટાર્ગેટ બનાવાયું હતું. સત્તાવાર માહિતી મુજબ પાક.માં 75 લાખ હિન્દુઓ વસવાટ કરે છે. હિન્દુઓની સૌથી વધુ વસતી સિંધ પ્રાંતમાં છે.
428માંથી ફક્ત 20 મોટા મંદિર બચ્યા
ભારત અને પાક.ના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાં 428 મોટા મંદિરો હતા. આ પછી તેની સંખ્યા ઘટતી ગઈ. ક્યાંક જમીન કબજે કરીને દુકાનો, રેસ્ટોરાં, હોટેલો તેમજ સ્કૂલો અને મદરેસાઓ બાંધવામાં આવ્યા હતા. સ્થિતિ એવી છે કે આજે ફક્ત 20 મોટા મંદિરો જ બચ્યા છે.
નૂપુર મામલે પાક.ની ભારતને સલાહ
નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી મામલે ભારતને સૂફિયાણી સલાહ આપનાર પાકિસ્તાનમાં જ લઘુમતી હિન્દુઓ અસુરક્ષિત છે અને મંદિરનો પર હુમલા કરીને તોડફોડ કરાય છે. ભારતે આ મામલે પાક.ની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો અને ત્યાં વસતા હિન્દુઓની સુરક્ષા જાળવવા સલાહ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter