ઈસ્લામાબાદ: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ યુવતીનું તેના લગ્ન સ્થળેથી ૨૮મી જાન્યુઆરીએ અપહરણ કરી લેવાયું હતું. બાદમાં આ યુવતીને બળજબરીથી ઇસ્લામ અંગીકાર કરાવ્યો હતો અને તેની સાથે અપહરણ કરનારા મુસ્લિમ યુવકે લગ્ન કરી લીધા હતા.
ઓલ પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ (એપીએચસી)એ દાવો કર્યો હતો કે તાજેતરમાં સિંધ પ્રાંત રહેતી હિંદુ યુવતી ભારતીના લગ્ન હતાં. જોકે શાહરૂક ગુલ નામના મુસ્લિમ યુવકે હથિયારો વડે લગ્ન સ્થળે આવીને આ યુવતીનું અપહરણ કરી લીધું હતું.
૨૪ વર્ષીય ભારતીને બાદમાં ઇસ્લામ અંગીકાર કરાવી લીધો હતો. એવા દાવા થઇ રહ્યા છે કે અપહરણ કરવા માટે યુવક પોલીસના યુનિફોર્મમાં હથિયારો સાથે આવ્યો હતો. સમગ્ર મામલાની ભારે ચર્ચા વચ્ચે સિંધના લઘુમતી બાબતોના પ્રધાન હરિરામ કિશોરીએ નોંધ લીધી હતી અને પોલીસ પાસેથી આ ઘટનાનો રિપોર્ટ માગ્યો છે.
બીજી તરફ ગુલ નામના મુસ્લિમ યુવકે યુવતી અંગે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને દાવો કર્યો હતો કે યુવતીએ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઇસ્લામ અંગીકાર કર્યો હતો. આ પોસ્ટમાં તેણે ઇસ્લામ અંગીકાર કર્યો હોવાના ડોક્યૂમેન્ટ્સ જાહેર કર્યાં હતા.