પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં ૧૧ ટકાનો વધારો કર્યો

Saturday 06th June 2015 07:09 EDT
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને ગત નાણાકીય વર્ષની સરખામણીએ સંરક્ષણ બજેટમાં ૧૧ ટકાનો વધારો કર્યો છે. પાકિસ્તાને આ નાણાકીય વર્ષમાં સંરક્ષણ બજેટ રૂ. ૭૦૦ બિલિયનથી વધારી રૂ. ૭૮૦ બિલિયન કર્યું છે. ઉત્તર પશ્ચિમમાં તાલિબાનો સામે ચાલી રહેલી લડાઇ સહિત સૈન્ય અને સુરક્ષા જરૂરિયાતનો ધ્યાનમાં રાખી સંરક્ષણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.

નાણા પ્રધાન ઇશાક દારે ૫ એપ્રિલે રજૂ કરેલા વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટમાં આ જાહેરાત કરી હતી. પાકિસ્તાન છેલ્લા દસ વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. છેલ્લા દસ વર્ષમાં આતંકવાદી હુમલામાં ૫૦ હજારથી વધુ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો ઘરવિહોણા બન્યા છે. આતંકી ઘટનાઓથી વિસ્થાપિત થયેલા હજારો પરિવારોના પુનર્વસન માટે રૂ. ૧૦૦ બિલિયન ફાળવાયા છે. દારે જણાવ્યું હતું કે ૧ જુલાઇથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં ૫.૫ ટકાના દરે વિકાસ સાધવાનું લક્ષ્યાંક છે.

મલાલાના દોષિતોને છૂટી ગયાઃ નોબેલ પુરસ્કાર વિજેતા અને સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફઝઇ પર જીવલેણ હુમલો કરનારા ૧૦માંથી ૮ આરોપીને ગુપ્ત રીતે છોડવામાં આવ્યા છે. તેમાંથી એક આ ઘટનાને અંજામ આપનારો માસ્ટરમાઇન્ડ પણ છે. બ્રિટિશ અખબાર ‘ડેઇલી મિરર’ અહેવાલ મુજબ, સજા સંભળાવ્યા બાદ એક સપ્તાહમાં જ આઠ દોષિતોને ગુપ્ત રીતે છોડવામાં આવ્યા છે.

ગોડઝિલા’ના અભિનેતાનું નિધનઃ જાપાનીઝ ‘ગોડઝિલા’ સિરીઝની ફિલ્મોમાં અભિનયથી વિશ્વભરમાં પ્રશંસા મેળવનારા અભિનેતા હિરોશી કોઈઝુમીનું ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. તેમને ન્યૂમોનિયા થયો હતો. ૩૧ મેએ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કોઈઝુમીની પ્રથમ ફિલ્મ ૧૯૫૧માં રિલીઝ થઈ હતી. ૧૯૫૫માં ‘ગોડઝિલા રેઇડ્સ અગેઇન’માં હિરોશીએ પાઈલટની ભૂમિકા ભજવી હતી. કોઈઝુમીએ મોન્સ્ટર પ્રકારની ફિલ્મો વધુ કરી હતી, તેમ છતાં નોન-મોન્સ્ટર ફિલ્મોમાં ‘૪૭ સમુરાઈ’ પણ ખૂબ લોકપ્રિય થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter