પાણી ઓસર્યું તો નદીકિનારેથી મળ્યું 3400 વર્ષ પ્રાચીન નગર

Saturday 11th June 2022 12:48 EDT
 
 

કુર્દીસ્તાન (ઇરાક)ઃ પુરાતત્વવિદોના આંતરરાષ્ટ્રીય સમૂહે ઈરાકના કુર્દિસ્તાનમાં 3,400 વર્ષ પ્રાચીન શહેરને શોધી કાઢ્યું છે. આ શહેર હજારો વર્ષ જૂની ટિગ્રિસ નદીના કિનારેથી મળ્યું છે. પુરાતત્વવિદોના આ જૂથે જણાવ્યું હતું કે ટિગ્રિસ નદીની નીચેથી સદીઓપુરાણા શહેરના અઢળક અવશેષો મળ્યા છે.
નિષ્ણાતોએ અભ્યાસના આધારે તારણ કાઢ્યું છે કે આ શહેરને મિત્તાની સામ્રાજ્ય દ્વારા ઈસવી સન પૂર્વે 1,475થી 1,275ની વચ્ચે વસાવવામાં આવ્યું હતું. આ શહેરની ખોજ ટિગ્રિસ નદીના કાંઠે મોસુલ બંધમાં પાણી ઘટવાના લીધે થઈ શકી છે. આ નગરના મળેલા અવશેષોમાં માટી-ઈંટની દિવાલ, કેટલાય ટાવર, મોટી-મોટી ઈમારતોની સાથે અન્ય મોટી સંરચનાઓ સામેલ છે.
ઇતિહાસવિદો કહે છે કે આ બધી બાબતો મિત્તાની સામ્રાજ્યના પ્રાચીન શહેરને લઈને ઉત્સાહ પેદા કરે છે. તેની સાથે આ સામ્રાજ્યની અંદર ઝાખીકું એટલે કે વ્યાપારી કેન્દ્ર હોવાની સંભાવનાને પણ બળ આપે છે.

પુરાતત્વવિદ્દ ડો. ઈવાના પુલજિઝે જણાવ્યું હતું કે માટીની મોટી દિવાલો સાથેની ઈમારતોને સાવધાનીપૂર્વક ડિઝાઈન કરવામાં આવી હતી. અહીંથી માટીના દસ ક્યુનિફોર્મ ટેબ્લેટ પણ મળ્યા છે. ક્યુનિફોર્મ લખવાની એક પ્રાચીન શૈલી છે. માટીમાં કંડારાયેલી આ લિપિમાં શું લખાયું છે તે જાણવા-સમજવા માટે નિષ્ણાતોએ તેના અનુવાદના પ્રયાસ હાથ ધર્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે દસકાઓ સુધી જળમગ્ન રહેવા છતાં પણ શહેરની માટી-ઈંટની દીવાલો ચમત્કારિક રીતે સંરક્ષિત જોવા મળે છે. 1980ના દાયકાની શરૂઆતમાં અહીં મોસૂલ બંધ બનાવવામાં આવ્યો હતો. અને તે સમયે અજાણપણે જ આ શહેર રીતસરનું દફન થઈ ગયું હતું. જોકે દુષ્કાળના લીધે પાણી ઓસર્યા અને તે સપાટી પર આવી ગયું છે. ગયા ડિસેમ્બર પછી આ ક્ષેત્રમાં દારુણ દુષ્કાળ પડતાં પાણી સુકાઇ ગયું અને પ્રાચીન શહેરનો મોટો હિસ્સો ફરીથી સપાટી પર પરત આવી ગયો છે. પુરાતત્વવિદોને આશા છે કે આ તપાસ પછી મિત્તાની સામ્રાજ્ય અંગે ઘણી વધુ જાણકારીઓ બહાર આવશે. નિષ્ણાતો તેને તાજેતરના દસકામાં થયેલી સૌથી મહત્ત્વની પુરાતત્વીય ખોજ ગણાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter