પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ૯૫ વર્ષની ઉંમરે ગરીબો માટે ઘર બનાવી રહ્યા છે

Tuesday 08th October 2019 11:14 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર પહેલી ઓક્ટોબરે ૯૫ વર્ષના થયા છે, પરંતુ આ ઉંમરે પણ જરાય થાક્યા વગર ગરીબોની જિંદગી સુગમ બનાવવા માટે કાર્યરત છે. જિમી અને તેમની પત્ની રોઝલીન અમેરિકા, એશિયા તેમજ આફ્રિકા સહિત અનેક દેશોમાં પાછલા ૩૬ વર્ષોથી હજારો ગરીબ લોકોને ઘર અપાવી ચૂક્યા છે.
કાર્ટર પોતાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નેશવિલેમાં માનવતા માટે આશ્રય નામના એક કાર્યક્રમમાં સામેલ થવાના છે. ૧૯૨૪માં પહેલી ઓક્ટોબરના રોજ જન્મેલા કાર્ટર આજે અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ વય સુધી જીવિત રહેનાર પ્રમુખ છે. તેમના પહેલા જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ હતા.
જ્યોર્જ બુશનું ગયા નવેમ્બરમાં ૯૪ વર્ષ ૧૭૧ દિવસની ઉંમરે અવસાન થયું હતું. કાર્ટરે ગયા માર્ચમાં જ બુશના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર કેટલાક અમેરિકી પ્રમુખોમાં સામેલ કાર્ટરે હાલમાં જ એક નાના શહેરમાં એક નવું હેલ્થ ક્લિનિક શરૂ કર્યું હતું કારણ કે આ શહેરમાં ઘણા મહિનાથી કોઈ ફિઝિશિયન હતો નહીં. આટલું જ નહીં, તેમણે પોતાના હોમટાઉનના અડધા લોકોને વીજળી મળી રહે તે માટે સોલાર લાઇટ લગાવવા માટે પોતાની અંગત સંપત્તિ પણ દાનમાં આપી દીધી છે.
કાર્ટરને ૨૦૧૬માં ચોથા સ્ટેજના કેન્સરનું નિદાન થયું હતું, પરંતુ તેમણે સારવાર દરમિયાન પણ પોતાનો સમય જરૂરતમંદો માટે ઘર બનાવવાના કાર્યો માટે ફાળવ્યો હતો. જોકે, હવે તેઓ સંપૂર્ણ સાજા થઈ ગયા છે.
કાર્ટર સેન્ટરના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે દુનિયામાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેઓ ગરીબ લોકો માટે કાર્યરત છે. તે અત્યાર સુધીમાં દુનિયાના લાખો લોકોને ઘર ઉપલબ્ધ કરાવવા માટે મદદ કરી ચૂક્યા છે. તે ખરા અર્થમાં ગરીબોના બેલી બનીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter