વોશિંગ્ટનઃ અમેરિકાના ડિફેન્સ મંત્રાલય પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજો લીક થયાના સમાચારો આખી દુનિયાના મીડિયામાં છવાયેલા છે. એ બાબતે અમેરિકાની છબિ ખરડાઈ છે. અને હવે, આ મામલામાં એફબીઆઇએ 13 એપ્રિલે 21 વર્ષના એક યુવકની ધરપકડ કરી છે. આરોપ છે કે એણે જ પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજો લીક કર્યા હતા. આરોપી યુવકનું નામ જેક ટિક્સેરા હોવાનું અને તે મેસેચ્યુસેટ્સના ડિટન વિસ્તારમાંથી પકડાયો હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા અહેવાલો અનુસાર, જેક એક જાણીતું ઓનલાઇન ગેમર્સ ગ્રૂપ પ્રાઇવેટ ડિસ્કોર્ડ સેન્ટ્રલનો સક્રિય સભ્ય છે. આ ગ્રૂપના મોટા ભાગના સભ્ય કિશોર અને યુવા છે. આરોપ છે કે જેકએ આ ગ્રૂપમાં ગુપ્ત દસ્તાવેજો લીક કર્યા અને પછી અહીંથી જ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક થઈ ગયા.
એફબીઆઇએ નિવેદનમાં જણાવ્યું હતું કે જેક ડગલાસ ટિક્સેરાને મેસેચ્યુસેટ્સના ઉત્તરમાં આવેલા ડિટન વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે. જેક પર આરોપ છે કે એણે અમેરિકન સરકાર અને સેનાના ગુપ્ત દસ્તાવેજો લીક કરીને દેશની સુરક્ષાને જોખમમાં મૂકી છે. તપાસમાં જાણવા મળ્યું કે જેક ટિક્સેરા મેસેચ્યુસેટ્સ એર નેશનલ ગાર્ડમાં એરમેન કોપ કોડ તરીકે ઓટિસ એર નેશનલ ગાર્ડ બેઝમાં ફરજ બજાવે છે, તે અમેરિકાની સેનામાં સાઇબર ટ્રાન્સપોર્ટ સિસ્ટમના સ્પેશિયાલિસ્ટના પદ પર છે અને આ પદ આઇટી તજ્ઞોની સમક્ષ છે. જેક નેશનલ ગાર્ડમાં સૈન્ય મિલિટરી નેટવર્કના મેન્ટેનન્સની જવાબદારી સંભાળતો હતો, જેકના પરિવારના ઘણા લોકો સૈન્યમાં સેવારત છે અથવા હતા.
જેક ટિક્સેરાએ જે દસ્તાવેજો લીક કર્યા છે તેમાં, રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત સૈનિકોની સંખ્યાની માહિતી, યુક્રેનને અમેરિકા અને નાટો થઈ કેવી મદદ કરશે તેની માહિતી, યૂક્રેન પાસેનાં શસ્ત્રો અને મિસાઈલો ઝડપથી ખતમ થવાની જાણકારી સહિતની વિગતો છે.