પ્રદૂષણ ઘટાડવા માટેની સમિટ હવામાં ૩ લાખ ટન કાર્બન છોડશે!

Wednesday 02nd December 2015 08:52 EST
 
 

પેરિસઃ ક્લાઇમેટ ચેન્જ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી પર વધતું જતું પ્રદૂષણ ઘટાડવાનો છે. જોકે ૧૯૦થી વધુ દેશોને આવરી લેતી આ હાઈ-પ્રોફાઈલ બેઠક જ જંગી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરવામાં નિમિત્ત બનશે. વિખ્યાત મેગેઝિન વાયર્ડ દ્વારા રજૂ થયેલા અંદાજ અનુસાર ૧૨ દિવસની સમિટ પૂરી થશે ત્યાં સુધીમાં પૃથ્વીના વાતાવરણમાં બીજો ૩ લાખ ટન કાર્બન ઉમેરાઇ ગયો હશે. મતલબ કે મિટિંગમાં પ્રદૂષણ ઘટાડવાની વાતો થશે, પરંતુ એ વાતો દરમિયાન પ્રદૂષણ વધતું રહેશે. હા, જો મિટિંગમાં કંઇક નક્કર નિર્ણયો લઈ શકાયા તો કદાચ હવામાં ઉમેરાયેલું આ પ્રદૂષણ લેખે લાગશે!

સમિટમાં ૨૨ હજાર ડેલિગેટ્સ સહિત કુલ ૫૦ હજાર લોકો હાજર રહેવાના છે. આવનારા લોકો છેક ન્યૂ ઝિલેન્ડથી માંડીને પેરિસના જ રહેવાસી છે. આથી બેઠકના ભાગીદારો વિશ્વભરમાંથી પ્રવાસ કરીને પેરિસ આવશે. એક ભાગીદારે સરેરાશ (આવવા-જવાના મળીને) ૧૪,૫૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડશે. દિલ્હીથી પેરિસનું હવાઈ અંતર ૬૬૦૦ કિલોમીટર છે એટલે કે ભારતના વડા પ્રધાન આવતા જતાં ૧૩,૨૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડશે. આ સીધો રૂટ થયો. વચ્ચે કોઈ સ્ટોપ કરે તો તેના કિલોમીટર અલગ. સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પેરિસમાં સ્વાભાવિક રીતે જ અત્યારે સૌથી વધુ વપરાતા બોઈંગ ૭૪૭ જેવા વિમાન દ્વારા પહોંચશે. આ વિમાન એક એક કિલોમીટરે દસ ગેલન જેટ ફ્યુલ વાપરે છે. આમ ૫૦ હજાર ભાગીદારો મળીને કુલ ૨.૭ કરોડ લિટર એવિએશન ફ્યુલ વાપરશે. આટલું બળતણ બળવાના કારણે હવામાનમાં ૨ લાખ ૬૧ હજાર ટન કાર્બન ડાયોક્સાઈડ ભળશે.

આ ઉપરાંત સમિટ દરમિયાન આવનારા મહેમાનો બે દિવસથી માંડીને બે સપ્તાહ સુધી પેરિસમાં રહેશે. તેઓ હોટેલમાં રહેશે, ટેક્સીમાં ફરશે, ખાશે-પીશે અને એટલો સમય પેરિસની સંપત્તિનો ઉપયોગ કરશે. આમ વ્યક્તિગત રીતે ફેલાતું પ્રદૂષણ પણ એ હિસાબે ઉમેરાશે. વળી, સમિટ દરમિયાન અનેક વિશાળ ખંડોમાં સતત એરકંડીશન, લાઈટ, જનરેટર્સ, પંખા, લેપટોપ, પંખા, સ્ક્રીન, કોમ્પ્યુટરો ચાલુ રહેશે. આમ વીજળીનું ઉત્પાદન પણ બીજો કેટલોક કાર્બન હવામાં ફેંકશે. વળી મિટિંગ પૂરી થવાથી ક્લાઈમેટ ચેન્જ સમિટ પૂરી થઇ ગઇ એવું નથી. દરેક દેશના પ્રતિનિધિઓ પોતાના દેશમાં વળી નવી મિટિંગો શરૂ કરશે. આમ બધું મળીને કુલ ત્રણેક લાખ ટન કાર્બન હવામાં ફેંકાશે ત્યારે વિશ્વના નેતાઓ નક્કી કરી શકશે કે હવામાં વધુ માત્રામાં ભળી રહેલા કાર્બન પર કેમ કાબૂ મેળવવો!

પેરિસની સમિટ અગાઉની ક્લાઈમેટ ચેન્જ સમિટ દ્વારા જરા વિશિષ્ટ છે. આ બેઠકમાં વિશ્વના લગભગ તમામ દેશો હાજર છે. આથી પ્રદૂષણ ઘટાડવા માટે જે નિર્ણય લેવાશે એ બધા દેશો સુધી પહોંચી શકશે. પ્રાથમિક ઉદ્દેશ ૨૦૨૫ સુધીમાં હવામાં ભળતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ (૨૦૦૫ની સરખામણીમાં) ૨૬ ટકા ઓછું કરવાનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter