પ્રવાસીઓની ભીડનો સામનો કરવા એક મહિનાની સ્કીમ: ગ્રીસ અને ઇયુ પાછા જનારાને રૂ. ૬-૬ લાખ આપશે

Monday 16th March 2020 02:39 EDT
 

એથેન્સ: દુનિયાભરમાં શરણાર્થીઓની સમસ્યા વધતી જઈ રહી છે. આંતરિક યુદ્ધનો સામનો કરી રહેલા સીરિયા, લિબિયા, સુદાન જેવા દેશોમાંથી લોકો હિજરત કરી જુદા જુદા દેશોમાં આશરો લેવા મજબૂર છે. સ્થિતિ એવી બની ગઈ છે કે જે દેશોમાં આ લોકો પહોંચી રહ્યા છે ત્યાં તેમને સાચવવા મુશ્કેલ થઈ ગયા છે. તેનો સૌથી વધુ ભોગ યુરોપ બની રહ્યું છે. એવામાં ગ્રીસ અને યુરોપિયન યુનિયને શરણાર્થીઓની ભીડ ઓછી કરવા માટે ઘરવાપસીની એક યોજના લોન્ચ કરી છે. તે હેઠળ સ્વેચ્છાએ ઘરે એટલે કે પોતાના વતન પાછા જનારા પ્રવાસીઓને ૭૦૦૦ યુરો એટલે કે આશરે ૬-૬ લાખ રૂપિયા અપાશે. તેમાંથી ૫૦૦૦ યુરો ગ્રીસ ચૂકવશે અને ૨૦૦૦ યુરોની મદદ ઈયુ કરશે. આ યોજનાની જાહેરાત ઈયુના ગૃહ બાબતોના કમિશનર યેલ્વા જોહાનસને એથેન્સમાં કરી હતી. તે મુજબ આ સ્કીમ ફક્ત એક મહિના માટે લાગુ કરાઇ છે અને ફક્ત એ જ પ્રવાસીઓ પર લાગુ પડશે જે એક જાન્યુઆરી ૨૦૨૦ પહેલાં ગ્રીસ કે યુરોપમાં પહોંચી ચૂક્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રન્ટ્સ અને ફ્રન્ટેક્સ જેવાં સંગઠન ગ્રીસની મદદ કરશે.

૬૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતા કેમ્પોમાં ૪૨,૦૦૦થી વધુ શરણાર્થી

ગ્રીસમાં શરણાર્થીઓ કે પ્રવાસીઓની ભીડનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અલગ અલગ સ્થળે બનેલા કેમ્પોમાં ક્ષમતા કરતાં ૭-૮ ગણા વધુ લોકો રહે છે. મોટા ભાગના કેમ્પોની ક્ષમતા ૬૦૦૦ લોકોની છે પણ અહીં ૪૨૦૦૦થી વધુ લોકો રહે છે. તે ઉપરાંત ગ્રીસમાં આશરે ૮૭,૦૦૦ લોકોએ શરણ માટે અરજી કરી રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter